કેન્સરને કારણે પ્રિવેન્ટેટીવ કીમોથેરાપીના પ્રારંભિક તબક્કામાં હોવાના પ્રિન્સેસ ઑફ વેલ્સ, કેટ મિડલટનના વિડીયો સંદેશ બાદ વૈશ્વિક નેતાઓ, પરિવારના સભ્યો, મીડિયા અને લોકો તરફથી સમર્થનની લહેર ઉભી થઇ છે અને વિશ્વભરમાંથી તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવતા સમર્થનના સંદેશાઓ સાંપડ્યા છે.
કેન્સિંગ્ટન પેલેસના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અહીં યુકેમાં, કોમનવેલ્થમાં અને વિશ્વભરના લોકો તરફથી આવેલા સંદેશાઓથી હર રોયલ હાઇનેસ કેટ અને શાહી પરિવાર ખૂબ જ પ્રભાવિત થયો છે. તેઓ જનતાની હૂંફ અને સમર્થનથી અત્યંત પ્રભાવિત છે અને આ સમયે ગોપનીયતા માટેની તેમની વિનંતીને સમજવા બદલ આભારી છે.”
કેટ મિડલટને કેન્સરના સમાચાર જાહેર કર્યા બાદ “WeLoveYouCatherine” અને “GetWellSoonCatherine” જેવા હેશટેગ્સ વિડિયો સંદેશા સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયા હતા. વિવિધ સેલિબ્રિટીઝ, કેન્સર સર્વાઈવર અને મેડિક્સે તેણીના સમર્થનના સંદેશાઓ પાઠવ્યા હતા.
યુએસ પ્રમુખ જો બાઇડેને X પર લખ્યું હતું કે ‘’પ્રિન્સેસ કેટ, હું અને મારી પત્ની જીલ તમારી સંપૂર્ણ સ્વસ્થતા માટેની પ્રાર્થનામાં વિશ્વભરના લાખો લોકો જોડાઇએ છીએ.”
કેલિફોર્નિયા સ્થિત ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને ડચેસ મેગન માર્કેલે એક નિવેદનમાં તેમની ભાભી માટે સમર્થનનો સંદેશ શેર કરતા કહ્યું હતું કે “અમે કેટ અને પરિવાર માટે આરોગ્ય અને ઉપચારની ઇચ્છા રાખીએ છીએ, અને આશા છે કે તેઓ તે ખાનગી રીતે અને શાંતિથી કરવા સક્ષમ છે.”
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને X પર લખ્યું હતું કે “આ મુશ્કેલ સમયમાં તમે પસાર થઈ રહ્યા છો ત્યારે બ્રિગેટ અને હું તમને સંપૂર્ણ સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું.”
કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ લખ્યું હતું કે “તેણી સારવાર લઈ રહી છે ત્યારે હું કેનેડિયનો વતી મારો ટેકો મોકલી રહ્યો છું. અમે બધા તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવીએ છીએ.”
વિપક્ષી લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે કહ્યું છે કે ‘’આ દુઃખભર્યા સમયમાં પ્રિન્સેસ કેટને માત્ર તેના સમગ્ર પરિવારનો જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રનો પ્રેમ અને સમર્થન છે”.
કેટને સાજા થવા માટે ઇંગ્લેન્ડના ફૂટબોલ મેનેજર ગેરેથ સાઉથગેટ, ફૂટબોલ એસોસિએશન, રગ્બી ફૂટબોલ યુનિયન, આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટીન વેલ્બી, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયર, જીલ જૉ બાઇડેન, લંડનના મેયર સાદિક ખાને સંદેશાઓ મોકલ્યા હતા.
કેન્સિંગ્ટન પેલેસે કહ્યું હતું કે કેટે ફેબ્રુઆરીના અંતમાં તેમની કેન્સરની સારવાર શરૂ કરી હતી.