પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટ મિડલટને ત્રણ બાળકો સાથેના પારિવારિક ફોટોને કારણે સર્જાયેલી “કોઈપણ મૂંઝવણ” માટે માફી માંગી છે. આ ફોટોને એજન્સીઓએ પાછી ખેંચી લીધો હતો.
યુકેમાં મધર્સ ડે પ્રસંગે રવિવારે જાહેર કરાયેલી તસવીરમાં 42 વર્ષીય કેટ તેમના સંતાનો પ્રિન્સ જ્યોર્જ, લૂઈ અને 8 વર્ષની પ્રિન્સેસ શાર્લોટ સાથે હસતી જોવા મળી હતી. આ ફોટો વિન્ડસર કાસલ ખાતે પ્રિન્સ વિલિયમ દ્વારા લેવાયો હતો અને ઘણા કલાપ્રેમી ફોટોગ્રાફરોની જેમ કેટે તેમાં કેટલાક “નાના એડજસ્ટમેન્ટ” કર્યા હતા.
જેને કારણે મુખ્ય આંતરરાષ્ટ્રીય ફોટો એજન્સીઓએ સત્તાવાર શાહી ફોટોગ્રાફમાં છેડછાડ કરવામાં આવી હોવાની ચિંતા વ્યક્ત કરી કહેવાતી “કિલ” નોટિસ જારી કરી હતી. આ ફોટોમાં પ્રિન્સેસ શાર્લોટના ડાબો હાથ અસ્તવ્યસ્ત જણાયો હતો તો કેટલાકે કેટ મિડલટને વેડીંગ રીંગ પહેરી ન હતી એમ જણાવ્યું હતું.
જાન્યુઆરીમાં પેટની શસ્ત્રક્રિયા બાદ અઠવાડિયાથી જાહેરમાં જોવા નહિં મળેલા કેટની રીકવરી અંગે સોશિયલ મીડિયા પર કેટલીક અટકળો વહેતી થઈ હતી. ફોટોગ્રાફના પ્રકાશનનો હેતુ સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ગંભીર ચિંતાઓના ભયને દૂર કરવાનો હતો.
આવતા મહિને ઇસ્ટર પછી કેટ સ્વસ્થ થાય ત્યાં સુધી સત્તાવાર શાહી ફરજો પર પાછા ફરે તેવી અપેક્ષા નથી.