વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની પીડાને દર્શાવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની પ્રશંસા કરી છે. ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં કાશ્મીર ફાઇલ્સની પ્રશંસા કરતા મોદીએ કહ્યું કે, આ ખૂબ જ સારી ફિલ્મ છે. સાથે જ તેમણે કહ્યું કે, તમે બધાએ આ ફિલ્મ જોવી જોઈએ. કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બનતી રહેવી જોઈએ, કારણ કે આવી ફિલ્મો સત્ય સામે લાવે છે.
મોદીએ કહ્યું કે, જે સત્યને લાંબા સમયથી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને સામે લાવવામાં આવી રહ્યો છે, જે લોકો સત્ય છુપાવવાની કોશિશ કરતાં હતાં તે આજે વિરોધ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે. ધ કશ્મીર ફાઇલ્સની ટીમ મોદીને મળી હતી અને ત્યાર બાદ ફિલ્મના પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલે તસવીરો શેર કરીને જાણકારી આપી હતી કે, પીએમએ ફિલ્મની પ્રશંસા કરી છે.
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. થિયેટરોમાં અન્ય મોટી રિલીઝ અને ઓછા પ્રચાર છતાં ફિલ્મના કલેક્શનમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાતા નથી. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ પાંચ દિવસમાં 60.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે.