જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુખ અબ્દુલાએ કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા હિન્દુઓની યાતના દર્શાવતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અંગે પોતાની ચૂપકીદી તોડી છે અને જણાવ્યું છે કે આ ફિલ્મ વાસ્તવિકતાથી ઘણી દૂર છે અને તે દેશમાં ધ્રુવીકરણ કરવાનો માત્ર એક દુષ્પ્રચાર છે.
કાશ્મીરી પંડિતોની યાતના માટે વ્યાપક ટીકાનો સામનો કરી રહેલા અબ્દુલ્લાએ તે સમયે શું થયું હતું તે શોધવા માટે પ્રમાણિક વ્યક્તિના વડપણ હેઠળ સત્ય અને સમાધાન પંચની રચના કરવાની સલાહ આપી હતી.
અબ્દુલ્લાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 1990માં જે થયું તે ઘણુ જ દુઃખદ હતું. મારા કાશ્મીર પંડિત ભાઇ અને બહેનોએ તેમના ઘરો છોડવા પડ્યાં હતા. હું ઇચ્છું છે કે દરેક બાબતની યોગ્ય તપાસ થવી જોઇએ, જેથી વંશિય નરસંહારમાં કોણ સંડોવાયેલું હતું કે બહાર આવી શકે.
ફિલ્મમાં તમને સત્તા પર દર્શાવાયા છે તેવા પ્રશ્નના જવાબમાં નેશનલ કોન્ફરન્સના નેતાએ જણાવ્યું હતું કે મે રાજીનામું આપ્યું હતું. તત્કાલિન કેન્દ્રીય ગૃહ પ્રધાનની પુત્રીના બદલામાં પાંચ ત્રાસવાદીઓને મુક્ત કરવાનો મે વિરોધ કર્યો હતો. શું કોઇએ મારું સાંભળ્યું હતું? મે ચેતવણી આપી હતી કે તેનાથી ત્રાસવાદીઓની હિંમત વધી જશે, પરંતુ કમસનીબે દિલ્હીની સરકારમાં કોઇએ મારા વાત પર ધ્યાન આપ્યું ન હતું.
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આક્ષેપ કર્યો હતો કે આ ફિલ્મ સંપૂર્ણપણે દુષ્પ્રચાર છે અને દેશનું ધ્રુવીકરણ કરવા માટે સ્થાપિત હિત સાથે લોકો જાણીજોઇને ઉન્માદ ઊભો કરી રહ્યાં છે.