‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ખૂબ જ હિટ રહી છે. વિવેક અગ્નિહોત્રીએ વર્ષ ૧૯૯૦માં કાશ્મીરી પંડિતોના નરસંહાર અને કાશ્મીરમાંથી તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારની પીડા અને વેદનાનું ચિત્રણ કર્યું છે. ફિલ્મની ડિમાન્ડ વધ્યા બાદ તેને ૨૦૦૦ સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મે મોટાભાગના દર્શકોને ભાવુક બનાવ્યા છે. ૧૪ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં ૨૫.૫ કરોડનું કલેક્શન કર્યું છે. હવે તેની ઓટીટી રિલીઝની રાહ જોઈ રહેલા દર્શકો માટે પણ સારા સમાચાર છે. ખૂબ જ ઝડપથી આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી વગેરે કલાકારો છે. વિવેક અગ્નિહોત્રી અને સૌરભ પાંડે દ્વારા સહ-લિખિત આ ફિલ્મમાં કલમ ૩૭૦થી લઈને કાશ્મીરના ઈતિહાસ વિશેની વાત છે.
થિયેટરમાં ધુમ મચાવ્યા બાદ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઝીફાઇવ પર પણ રિલીઝ થશે. જોકે, તેની તારીખ હજી સુધી જાહેર કરવામાં નથી આવી. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક મહિનાની અંદર આ ફિલ્મ ઝીફાઇવ પર રિલિઝ થઈ જશે. ઝી સ્ટુડિયોના અધિકારીઓએ પણ આ ફિલ્મ ઝીફાઇવ પર રિલિઝ થવાની પુષ્ટિ કરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફિલ્મની પ્રશંસા કરી છે. અક્ષયકુમાર, કંગના રણોત, આર માધવન, પરિણીતી ચોપરા, મીરા ચોપરા, અર્જુન રામપાલ જેવી અનેક હસ્તીઓ પણ ફિલ્મના સમર્થનમાં આવ્યા છે અને સોશિયલ મીડિયામાં તેના વિશે પ્રતિક્રિયા આપી છે.