કાશ્મીરના વિસ્થાપિત પંડિતોની વ્યથા રજૂ કરતી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે. ઘણાં શહેરોમાં અમુક સંસ્થાઓ કે સંગઠનોએ આખું થિયેટર બુક કરીને પોતાના સભ્યોને કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ દેખાડવાની યોજના ઘડી હોવાનું જાણવા મળ્યું છે. દર્શકો પણ એકબીજાને આ ફિલ્મ જોવા માટે પ્રોત્સાહન કરી રહ્યાં છે. ગુજરાત સહિતના ચાર રાજ્યોએ આ ફિલ્મને કરમુક્ત જાહેર કરી છે તો આમ આદમી પણ આમાં પાછળ રહ્યો નથી.
દાખલા તરીકે, ઉત્તર ગુજરાતના પાલનપુરમાં જલારામ નાસ્તા હાઉસ નામની ફરસાણની દુકાનના માલિક મહેશભાઈ ઠક્કરે એક નવી ઓફર કરી છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોઈને આવે અને સિનેમા થિયેટરની ટિકિટ બતાવે તેને જલારામ નાસ્તા હાઉસમાં ફાફડા જલેબીનો નાસ્તો ફ્રી આપવામાં આવે છે. જ્યારે કચ્છના અંજાર શહેરના નાની નાગલપર રોડ પાસે આવેલી સાંઈ હોસ્પિટલ દ્વારા દરેક વર્ગના લોકો માટે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મની ટિકિટ બતાવવાથી OPD ચાર્જ અને દવાઓ મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ફિલ્મને કારણે કોમેડિયન કપિલ શર્મા વિવાદમાં ફસાયો હતો. ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો હતો કે કપિલ શર્માએ ફિલ્મને પ્રમોટ કરવાનો ઇનકાર કર્યો હતો. આ ન્યૂઝને પગલે સોશિયલ મીડિયામાં લોકોએ કપિલ પર ખૂબ રોષ ઠાલવ્યો હતો અને કપિલ શર્મા શોને બોયકોટ કરવાની પણ માંગ કરી હતી.
બોક્સ ઓફિસમાં પણ ફિલ્મ ટંકશાળ પાડી રહી છે. આ ફિલ્મનું બજેટ રૂ.૧૪ કરોડ છે, જ્યારે આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં જ રૂ.૨૫.૫ કરોડનું કલેકશન કર્યું હતું. ફિલ્મ ફક્ત ૭૦૦ સ્ક્રીન્સ પર જ રિલીઝ કરવામાં આવી હતી. દર્શકોની ડિમાન્ડ જોતા આ ફિલ્મની સ્ક્રીન વધારીને ૨૦૦૦ કરી દેવામાં આવી છે.