ધ કાશ્મીર ફાઈલ્સે બોક્સ ઓફિસ પર અકલ્પનીય સફળતા મેળવી રહી છે. બોલિવૂડમાં સફળ ફિલ્મોના ઈતિહાસમાં તેનું નામ અગ્રસ્થાને છે. છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ નફો મેળવનાર હિન્દી ફિલ્મોની યાદીમાં અત્યાર સુધી ઉરી- ધ સર્જિકલ પ્રથમ સ્થાને હતી. આ યાદીમાં સાઉથની ફિલ્મોના હિન્દી વર્ઝનનો પણ સમાવેશ થાય છે. ધ કાશ્મીર ફાઈલ્સે માત્ર 13 દિવસમાં નફાની ટકાવારીમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. ત્રણ વર્ષ અગાઉ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક થીયેટર પર ધૂમ મચાવતી હતી.
કોરોના મહામારીના કારણે લોકડાઉન આવ્યું અને થીયેટર બંધ કરવાની ફરજ પડી, જેના કારણે ઉરીની આગેકૂચ અટકી હતી. અંદાજે રૂ. 20 કરોડમાં બનેલી આ ફિલ્મે રૂ. 244 કરોડથી વધુનું કલેક્શન મેળવ્યું હતું અને તેણે 876 ટકા નફા સાથે નવો રેકોર્ડ બનાવ્યો હતો. માત્ર ત્રણ વર્ષમાં જ આ રેકોર્ડ તૂટી ગયો છે. હજુ આ ફિલ્મ થીયેટરમાં ચાલી રહી છે, પરંતુ માત્ર 13 દિવસમાં જ તેણે ખર્ચની સામે અધધધધ કહી શકાય તેટલું કલેક્શન બોક્સ ઓફિસ પર મેળવી લીધું છે.
30 વર્ષ અગાઉ કાશ્મીરમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હિજરત આધારિત આ ફિલ્મે રિલિઝના પ્રથમ દિવસે માંડ રૂ. 3.55 કરોડનું કલેક્શન મેળવ્યું હતું. રિલિઝના દિવસે તેની ટક્કર પ્રભાસની રાધે શ્યામ સાથે હતી અને આ ફિલ્મને માંડ 361 સ્ક્રિન મળ્યા હતા. માઉથ ટુ માઉથ પબ્લિસિટી અને સોશિયલ મીડિયા કેમ્પેઈને બીજા દિવસથી કમાલ કરી દીધી હતી. બોક્સ ઓફિસ કલેક્શન વધવાની સાથે દેશભરમાં તેની સ્ક્રીન પણ વધવા લાગી હતી. એક તબક્કો એવો પણ આવ્યો, જ્યારે માત્ર 20 કરોડમાં બનેલી આ ફિલ્મે એક દિવસમાં 20 કરોડથી વધુનું કલેક્શન કર્યું અને દેશભરના 4000 સ્ક્રીનમાં આ ફિલ્મ જોવાતી હતી.