કાશ્મીર ફિલ્મ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે જણાવ્યું હતું કે આ ફિલ્મને દિલ્હીમાં ટેક્સફ્રી કરવાની માગણી કરી રહેલા ભાજપના ધારાસભ્યોએ ફિલ્મને યુટ્યુબ પર ફિલ્મ અપલોડ કરીને તમામ લોકો માટે ફ્રી કરી દેવી જોઇએ.
વિધાનસભામાં સંબોધન કરતાં કેજરીવાલે રાજકીય લાભ માટે આ ફિલ્મનો ઉપયોગ કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યો હતો. કેજરીવાલના આક્ષેપ સામે વળતો પ્રહાર કરતાં દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ મુદ્દે આવી ટીપ્પણી કરીને કેજરીવાલે રાજકીય શિષ્ટાચારની તમામ મર્યાદાના ઓળંગી નાંખી છે.
કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોની હિજરતની યાતના દર્શાવતી આ ફિલ્મે રાજકીય તોફાન સર્જ્યું છે. ભાજપ શાસિત રાજ્યો ટેક્સમાં રાહત અથવા સરકારી કર્મચારીઓને ફિલ્મ જોવા ખાસ રજા આપીને આ ફિલ્મને પ્રોત્સાહન આપી રહ્યાં છે. જોકે વિપક્ષ આ ફિલ્મને એકતરફી અને વધુ પડતી હિંસા દર્શાવતી ફિલ્મ ગણાવી રહ્યાં છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે ગૃહમાં ઉપરાજ્યપાલના ભાષણ દરિયાન ભાજપના નેતાઓ કાશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રી કરવાની માગણી કરી રહ્યાં હતા. તેઓ માગ કરે છે કે દિલ્હીમાં ફિલ્મને ટેક્સફ્રી કરો. તેને યુટ્યુબમાં અપલોડ કરો, ફિલ્મ મફત થઈ જશે અ દરેક વ્યક્તિ તેને જોઇ શકશે. મોદી પર આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં આઠ વર્ષ સાશન કર્યા કર્યા પછી પણ મોદીએ રાજકીય લાભ માટે ફિલ્મનો આશરો લેવો પડે છે. ભાજપનું આખુ પ્રચારતંત્ર દેશભરમાં આ ફિલ્મના પોસ્ટર્સ ચોંટાડવામાં વ્યસ્ત બન્યું છે.