કાશ્મીરી પંડિતોના નરસંહાર પર આધારિત હિન્દી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર સિંગાપોરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિંગાપોર સરકારે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાશ્મીર ફાઇલ્સમાં કાશ્મીરમાં ચાલી રહેલા સંઘર્ષમાં મુસ્લિમોને ઉશ્કેરણી અને હિંદુઓ પર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાનું એકતરફી ચિત્રણ છે. જેના કારણે આ ફિલ્મ આપણા બહુ-ધાર્મિક સમાજમાં વિવિધ સમુદાયો અને સામાજિક અંતર વચ્ચે દુશ્મનાવટ ઊભી કરે છે. તે સંવાદિતાને વિક્ષેપ કરવાની ક્ષમતા ધરાવે છે, અને સિંગાપોરમાં ધાર્મિક સમુદાયોને બદનામ કરતી કોઈપણ સામગ્રીને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સિંગાપોરમાં પ્રતિબંધના સમાચાર સામે આવ્યા પછી કોંગ્રેસના તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે ટ્વિટ કરીને ભાજપ અને ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી પર કટાક્ષ કર્યો હતો. શશિ થરૂરે લખ્યું, ‘ભારતની સત્તાધારી પાર્ટી દ્વારા પ્રમોટ કરવામાં આવી રહેલી ફિલ્મ પર સિંગાપોરમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.’ કાશ્મીરી પંડિતોના નરસંહાર પર આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. વિશ્વભરમાં રૂ.337 કરોડનું કલેક્શન કરનારી આ ફિલ્મ રિલીઝ થયા બાદથી ચર્ચાનો વિષય બની છે.