જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે સુરક્ષા દળો સાથેના બે એકાઉન્ટરમાં ધ રિઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)ના કમાન્ડર અફાક સિકંદર સહિતના પાંચ ત્રાસવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
દક્ષિણ કશ્મીરના આ જિલ્લાના ગોપાલપોર અને પોમ્બે વિસ્તારમાં આ બે અથડામણ થઈ હતી. ત્રાસવાદીઓની હાજરી હોવાની ગુપ્ત માહિતીને આધારે સુરક્ષા દળોએ ગોપાલપોર વિસ્તારને કોર્ડન કર્યો હતો અને સર્ચ અભિયાન ચાલુ કર્યું હતું.
આ સમયે ત્રાસવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું અને તેનાથી સુરક્ષા દળોએ પણ વળતો હુમલો કર્યો હતો. આ એન્કાઉન્ટમાં બે ત્રાસવાદીઓના મોત થયા છે. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (કશ્મીર) વિજય કુમારે જણાવ્યું હતું કે આ એકાઉન્ટરમાં પ્રતિબંધિત સંગઠન ટીઆરએફનો કમાન્ડર માર્યો ગયો હતો.
આઇજીપીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત ત્રાસવાદી જૂથ ટીઆરએફનો ત્રાસવાદી કમાન્ડર અફાક સિકંદરને ઠાર કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલગામ જિલ્લામાં બીજા એક એન્કાઉન્ટરમાં ત્રણ ત્રાસવાદીને ઠાર કરવામાં આવ્યા હતા. આ અથડામણ પોમ્બે એરિયામાં થઈ હતી. આ ત્રાસવાદીઓની ઓળખ અને તેઓ કયા સંગઠન સાથે જોડાયેલા છે તેની તપાસ ચાલી રહી છે.
—