પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ વર્ષના અંત સુધીમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજવાનો સ્પષ્ટ સંકેત આપતા શુક્રવારે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યા પછીની આ પ્રથમ ચૂંટણી હશે.

મહારાજા ગુલાબ સિંહના રાજ્યાભિષેકના 200 વર્ષની ઉજવણીના એક કાર્યક્રમમાં સંબંધોન કરતાં રાજનાથે જણાવ્યું હતું કે સીમાંકનની કવાયત પૂરી થઈ છે. તેનાથી બેઠકોની સંખ્યા વધીને 90 થઈ હતી, જેમાં કાશ્મીરની 47 અને જમ્મુની 43 બેઠકનો સમાવેશ થાય છે. આ વર્ષના અંત સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે.ચૂંટણીપંચે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાર યાદીમાં સુધારો કરવાની કામગીરી ચાલુ કર્યાના બે દિવસ બાદ ચૂંટણીના સમયનો આ સંકેત આપવામાં આવ્યો છે. ચૂંટણીપંચના અધિકારીઓના જણાવ્યા મુજબ મતદાર યાદીમાં સુધારાની કવાયત દરમિયાન નાગરિકોને ચૂંટણી યાદીમાં પોતાનું નામ દાખલ કરવાની, તેને દૂર કરવાની અને ફેરફાર કરવાની તક આપવામાં આવશે.

ગયા મહિને કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું હતું કે સીમાંકન પંચના આદેશોનો 20 મેથી અમલ થશે. સીમાંકન પંચે કેટલીક બેઠકોનું પુનર્ગઠન કર્યું છે. તેનાથી જમ્મુ ડિવિઝનને વધારાની છ બેઠકો મળી છે, જ્યારે કાશ્મીરને વધારાની એક બેઠક મળી છે. આમ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા બેઠક હશે, જેમાંથી નવ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રહેશે. અગાઉ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની બેઠકોની સંખ્યા 87 હતી.