- રિતિકા સિદ્ધાર્થ દ્વારા
લેબર ડેપ્યુટી લીડર એન્જેલા રેનરે ભારતીય કાશ્મીરમાં કથિત માનવાધિકાર ભંગ અંગે ચિંતા વ્યક્ત કરવાના પક્ષના નિર્ણયનો બચાવ કરી જણાવ્યું છે કે “અમે માનવાધિકાર માટે ઉભા છીએ અને અમે તે જવાબદારીમાંથી ક્યારેય ભાગીશું નહીં. રાજકારણમાં લેબરનું સન્માન કરવામાં આવશે, પરંતુ અમે હંમેશા અમારા મૂલ્યો માટે ઊભા રહીશું”.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઓગસ્ટ 2019માં, ભારતીય કાશ્મીરમાં સ્વાયત્તતા આપતી કલમ 370 રદ કર્યા પછી સપ્ટેમ્બર 2019માં નેતા જેરેમી કોર્બીન લેબરના વડા હતા ત્યારે તેની વાર્ષિક કોન્ફરન્સમાં એક વિવાદાસ્પદ ઠરાવ પસાર કરાયો હતો જેમાં કહેવાયું હતું કે, “કાશ્મીર એક વિવાદિત પ્રદેશ છે તેનો સ્વીકાર કરી કાશ્મીરના લોકોને યુએનના ઠરાવો મુજબ સ્વ-નિર્ણયનો અધિકાર મળવો જોઈએ.”
તે સમયે લેબરે “વાણી સ્વાતંત્ર્ય અને સંદેશાવ્યવહારની સ્વતંત્રતા, કર્ફ્યુ હટાવવા અને માનવતાવાદી સહાય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને પ્રદેશમાં પ્રવેશવા દેવા સહિત મૂળભૂત માનવ અધિકારોની પુનઃસ્થાપનાની માંગ કરી હતી.”
ગરવી ગુજરાત સાથેના એક વિશિષ્ટ ઈન્ટરવ્યુમાં, એશ્ટન-અંડર-લાઈનનું પ્રતિનિધિત્વ કરતા રેનરે જણાવ્યું હતું કે “અમે સમુદાયોને એકસાથે લાવવા માંગીએ છીએ, નહિં કે લોકોને વિભાજિત કરવા કે દુશ્મનાવટ ઊભી કરવા. અમે એકબીજા સાથે વધુ સામ્યતા ધરાવીએ છીએ. આ બાબતને હું અને લેબર નેતા સ્ટાર્મર સેટ કરીએ છીએ. જ્યાં અમને લાગે છે કે બાબતો ખોટી છે ત્યાં અમે તેનો સામનો કરી શકીએ છીએ. લોકો મજબૂત વિચારો ધરાવે છે, પરંતુ અમે હંમેશા અમારા મૂલ્યો માટે ઊભા રહીશું. અમે જે કરીએ છીએ તેને વ્યક્ત કરીએ છીએ, પછી તે સાહિત્ય દ્વારા હોય કે પછી અમારી કોન્ફરન્સ દ્વારા હોય.”
બેટલી અને સ્પેનની પેટા-ચૂંટણી દરમિયાન વહેંચાયેલા લેબરના લીફલેટમાં વડા પ્રધાન બોરિસ જૉન્સનને મોદી સાથે દર્શાવી લખાયું હતું કે “તમારા પક્ષમાં ન હોય તેવા ટોરી સાંસદ માટે જોખમ ન લો.” તેમાં જૉન્સનને “વ્હાઇટ વોશીંગ ઇસ્લામોફોબિયા” ગણાવતો આરોપ મૂક્યો હતો. જૉન્સન મોદી સાથે હાથ મિલાવતા હોય તેવા ચિત્રની નીચે લખાયું હતું કે “એક વડા પ્રધાન જે કાશ્મીરમાં અધિકારોના ઉલ્લંઘન પર મૌન છે”.
રેનરે સેન્ટ્રલ લંડનમાં અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય બિઝનેસ લીડર્સ માટે જૂનમાં યોજાયેલા લેબર રિસેપ્શન વખતે ગરવી ગુજરાત સાથે કરેલી વાતમાં કહ્યું હતું કે “અમે બદલાઈ ગયા છીએ; અમારી પાર્ટી હવે અલગ જગ્યાએ છે. અને અમે શાંતિ અને સમાધાન શોધવાની કોશિશ કરવાની ભાવના સાથે તેને દૂર લઈ જવા માંગીએ છીએ. વિશ્વમાં વૈમનસ્ય પેદા કરવાને બદલે આપણે વિશ્વ શાંતિ લાવવાની જરૂર છે.’’
કાશ્મીર પર લેબરના મંતવ્યો અને વિવાદાસ્પદ પેટાચૂંટણી પત્રિકાઓએ કેટલાક ભારતીય મતદારોને વિમુખ કર્યા છે અને તેઓ કન્ઝર્વેટિવ તરફ વળ્યા છે. લેબરે હેરો અને ક્રોયડન પરનો અંકુશ ગુમાવ્યો હતો.
મોટી ભારતીય વસ્તી ધરાવતા હેરોમાં મેની સ્થાનિક ચૂંટણીઓ દરમિયાન લેબરે ગુમાવેલી આઠ બેઠકો ટોરીએ મેળવી હતી. લેબર પર આરોપ છે કે તે બ્રિટિશ ભારતીય મતને નજર અંદાજ કરે છે.
પરંતુ રેનરે આ આરોપને નકારી કાઢતા કહ્યું હતું કે, “2019માં મતદારોએ આપેલા મજબૂત સંદેશમાં કહેવાયું હતું કે અમારે બદલાવું પડશે. અમે પક્ષનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે મેં અને કેરે સંપૂર્ણપણે સ્પષ્ટ કર્યું હતું કે અમે બદલાઈશું. અમે સમુદાયને એકબીજાની વિરુદ્ધમાં રાખવા માંગતા નથી. અમે બતાવીએ છીએ કે લેબર પાર્ટી બદલાઈ છે. ભારતીય ડાયસ્પોરા આપણા સમુદાયો માટે ઘણું બધું લાવે છે. હું આશા રાખું છું કે લોકોએ તે બદલાવ જોયો હશે, અને તેઓ લેબરને બીજી તક આપવા તૈયાર છે.’’
લેબરના કાશ્મીર રિઝોલ્યુશનની ભારત સરકારે નિંદા કરી કહ્યું હતું કે તે “વોટ-બેંકની રાજનીતિ” તરફ વળે છે. જ્યારે બ્રિટનનું કહેવું છે કે કાશ્મીર, ભારત અને પાકિસ્તાન માટે દ્વિપક્ષીય મુદ્દો છે. સમજાય છે કે લેબર નેતા સર કેર સ્ટાર્મર તત્કાલીન ભારતીય હાઈ કમિશનર ગાયત્રી કુમાર ઈસારને મળ્યા હતા.
પાકિસ્તાની કાશ્મીરના લોકોનો સમાવેશ ધરાવતા મતવિસ્તારોના કેટલાક લેબર રાજકારણીઓએ પાર્લામેન્ટમાં આ અંગે ચર્ચાઓ કરી ભારતીય રાજદ્વારીઓ અને મંત્રીઓને નારાજ કર્યા હતા.
રેનરે કહ્યું હતું કે “હું હંમેશા લોકોને મળવા માટે તૈયાર છું, અને વાસ્તવિક મુદ્દાઓને સમજવા અને અહીંના લોકો, અહીંના ભારતીય ડાયસ્પોરાના લાભ માટે તે બાબતોને આગળ લઈ જવા હું હંમેશા તૈયાર છું. લેબર સરકાર આવશે તો, બ્રિટન ભારત સાથે “સન્માનભર્યા” સંબંધની માંગ કરશે. હું ઘણી વખત ભારત ગઇ છું, અને મેં જોયું છે કે ભારતીય અર્થવ્યવસ્થા કેવી રીતે ખૂબ જ પરિવર્તનશીલ બની શકે છે.’’
નોર્થ લંડનમાં એશિયનોના નોંધપાત્ર વસ્તી ધરાવતા બ્રેન્ટ નોર્થના એમપી અને લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સ્થાપક બેરી ગાર્ડિનરે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે “લેબર પાર્ટીએ હંમેશા માનવ અધિકારો માટે ઊભા રહેવું જોઈએ. મારી ચિંતા એ છે કે કેટલાક સાંસદો ભારતની ટીકા કરવામાં સૌથી વધુ અવાજ ઉઠાવે છે, પણ તેઓ પાડોશી દેશ પાકિસ્તાનમાં માનવાધિકારના જથ્થાબંધ ઉલ્લંઘનોથી અજાણ હોય છે, જ્યાં ધાર્મિક લઘુમતીઓ પર હિંસક અત્યાચાર થાય છે, અને તમારી પાસે એવી સરકાર છે જેણે આતંકવાદી તાલીમ શિબિરોને મંજૂરી આપી છે જેણે 40 વર્ષથી વધુ સમય માટે બળવાખોરીને ઉત્તેજન આપ્યું છે. શિમલા કરારથી, સત્તાવાર લેબર પાર્ટીની સ્થિતિ સ્પષ્ટ છે: કાશ્મીર એક દ્વિ-પક્ષીય મુદ્દો છે જે ફક્ત બે દેશો વચ્ચે જ ઉકેલવામાં આવે.”
તેમણે બેટલી અને સ્પેન પેટાચૂંટણી દરમિયાન જોવા મળેલા વિભાજનકારી રાજકારણની પણ નિંદા કરી કહ્યું હતું કે “મને એ પસંદ નથી કે કેટલાક રાજકારણીઓ ભારતીય ઉપખંડના વિભાજનને બ્રિટિશ રાજકારણમાં લાવવાનો પ્રયાસ કરે છે. તે ફક્ત આ દેશમાં સારા સામુદાયીક સંબંધોને નબળા બનાવી શકે છે.’’