કાશ્મીર કાતિલ કોલ્ડવેવની ચપેટમાં છે. બુધવારે સમગ્ર કાશ્મીરમાં ઉષ્ણતામાનનો પારો શૂન્યથી નીચે ગયો હતો. પહેલગામ અને ગુલમર્ગમાં આ શિયાળાનુ સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં તાપમાન માઇનસ 11.6 ડિગ્રી સેલ્શિયલ નોંધાયું હતું, જે આ વર્ષે કાશ્મીર ખીણનું સૌથી નીચું તાપમાન છે. પહેલગામ પ્રસિદ્ધ વાર્ષિક અમરનાથ યાત્રાનું બેઝ કેમ્પ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
લઘુતમ તાપમાન માઇનસ 10 ડિગ્રી કે તેનાથી નીચે ગયું હોય તેવી આ સતત ચોથી રાત્રી હતી. જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં ગઇ રાત્રીએ શૂન્યથી નીચું તાપમાન નોંધાયું હતું. અહીં પારો માઇનસ 3.6 ડિગ્રી થયો હતો. અગાઉ રાત્રીએ શહેરમાં 0.2 ડિર્ગી તાપમાન નોંધાયું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કાશ્મીર ખીણનો ગેટવે ગણાતા કાઝીગુન્ડમાં લઘુતમ માઇનસ 5.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નજીકના શહેર કોકેરનાગમાં તાપમાનનો પાર ગગડીને માઇનસ 7.2 ટકા ડિગ્રી થયો હતો.
ઉત્તર કાશ્મીરના કુપવાડામાં પારો માઇનસ 5.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં હવામાન ખાસ કરીને સુકું રહેવાની ધારણા છે. કાશ્મીર વેલી હાલમાં 40 દિવસના સૌથી ઠંડા સમયગાળાની પકડમાં છે, જેનો પ્રારંભ 21 ડિસેમ્બરથી ચાલુ થાય છે. આ સમયગાળો ચિલ્લા-ઇ-કલન તરીકે ઓળખાય છે. ઠંડીના આ સમયગાળામાં પ્રખ્યાત દાલ લેક સહિતના જળાશયોમાં પાણી બરફમાં ફેરવાઈ જાય છે. આ ઠંડા સમયગાળાનો 31 જાન્યુઆરીએ અંત આવે છે.