જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ત્રાસવાદીઓએ પોલીસ હેડ કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી હતી. ત્રાસવાદીઓએ અનંતનાગ જિલ્લાના હસનપોરામાં પોસીલ હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદની તેમના ઘર પાસે જ સવારે સાડા પાંચ વાગ્યે ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોહમ્મદને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્રાસવાદીઓની શોધખોળ ચાલુ કરી હતી. આ પહેલા 22 જાન્યુઆરીએ શોપિયા જિલ્લામાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત ત્રાસવાદી જૂથ લશ્કરે તૈયબાના બે આતંકીઓના મોત થયા હતા.