શ્રીનગરમાં સ્કૂલ સંકુલમાં પ્રિન્સિપાલ અને શિક્ષકની કરપીણ હત્યાના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) રવિવારે 40 શિક્ષકોને સમન્સ પાઠવ્યા હતા. આ હત્યાકાંડની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી એનઆઇએ પોતાના હાથમાં લીધી છે. કાશ્મીરમાં તાજેતરમાં હિન્દુ અને શીખ પરિવારોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ હત્યાકાંડને પગલે કાશ્મીરમાં મોટાપાયે દેખાવો થયા હતા.
નાગરિકોની હત્યાની ઘટનાની ગંભીર નોંધ લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આદેશને પગલે ત્રાસવાદી વિરોધી પાંખના વડા તપન દેકા સહિતના આઇબીના ટોચના અધિકારીઓએ શ્રીનગરમાં ધામ નાંખ્યા છે.
ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ગૃહપ્રધાને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે આ હત્યાકાંડમાં સંડોવાયેલા ત્રાસવાદીઓને ઝડપથી સજા નહીં થાય તો ઘણા લોકોના રાજીનામા લેવામાં આવશે.
જમ્મુ કાશ્મીરના પોલીસે ખીણમાં નાગરિકોની હત્યા અંગે વિવિધ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરીને આશરે 400 લોકોને અટકાયતમાં લીધા છે. ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે અટકાયતમાં લેવામાં આવેલા લોકો જમાતે ઇસ્લામી, તહેરીકે હુરિયત સાથે લીન્ક ધરાવે છે અને કેટલાંક લોકો ભૂતકાળમાં ત્રાસવાદી લિન્ક ધરાવતા હતા. પ્રિન્સિપાલ સુપિન્દર કૌર અને ટીચર દીપક ચાંદની હત્યાના કેસની તપાસ એનઆઇએ પોતાના હાથમાં લીધી છે. શ્રીનગર શહેરમાં ઇદગાહ વિસ્તારમાં સ્કૂલ સંકુલમાં ત્રાસવાદીઓએ આ બંનેને કરપીણ હત્યા કરી હતી.