ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કશ્મીરના મુદ્દે તમામ પક્ષના નેતાઓની એક બેઠક બોલાવી છે. જોકે આ બેઠકમાં કયા મુદ્દાને ચર્ચા થશે તે અંગે સ્પષ્ટતા ન હોવાથી વિવિધ અટકળો તેજ બની હતી. 2019માં જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા પહેલી વખત તમામ પાર્ટીના નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે.
24 જૂને યોજાનારી આ બેઠકમાં પીડીપી પ્રમુખ અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફતી ભાગ ન લે તેવી શક્યતા છે. આ બેઠકમાં જમ્મુ કશ્મીરની પ્રાદેશિક પાર્ટીઓના જોડાણ ગુપકાર સંગઠનના નેતા તરીકે પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લા ભાગ લઇ શકે છે.
અગાઉ મહેબૂબા મુફતીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી ફોન કરીને આ બેઠકમાં ભાગ લેવા માટે મને આમંત્રણ આપવામાં આવ્યુ છે. 24 જૂને બેઠક દિલ્હીમાં યોજાવાની છે. આ પહેલા પીડીપી દ્વારા એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા આમંત્રણ પર ચર્ચા કરવામાં આવી હતી. મુફતીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પીડીપીના ટોચના નેતાઓએ ભાગ લીધો હતો.