જમ્મુ કાશ્મીરમાં ચાલુ મહિને બિનકાશ્મીરી લોકોને નિશાન બનાવીને તેમને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓમાં મોટો વધારો થયો છે. ત્રાસવાદીઓએ રવિવારે સતત બીજા દિવસે વધુ બે બિહારી મજૂરોને ગોળી મારીને ઘાતકી હત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. આ હુમલામાં બીજા એક મજૂરને ઇજા પણ થઈ હતી. આ મહિને નિશાન બનાવીને કુલ 11 નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યા થઈ છે, જેમાંથી પાંચ નોન-લોકલ મજૂરો છે. નાગરિકોની હત્યાઓ બાદ એક સપ્તાહમાં પોલીસ અને સુરક્ષા જવાનોએ નવ એન્કાઉટરમાં 13 ત્રાસવાદીઓને ઠાર કર્યો છે. શ્રીનગરમાં છેલ્લાં 24 કલાકમાં પાંચમાંથી ત્રણ ત્રાસવાદીઓને ઠાર કર્યાં કરવામાં આવ્યા હતા.
ત્રાસવાદીઓએ રવિવારે કુલગામ જિલ્લાના વાનપોહ ખાતે મજૂરો પર ગોળીઓ વરસાવી હતી. જેમાં બિહારના બે મજૂરોના મોત થયા હતા અને બિન સ્થાનિક મજૂરને ગંભીર ઇજા થઈ હતી. જમ્મુ કાશ્મીર પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ત્રાસવાદીઓ કુલગામના વાહપોહ વિસ્તારમાં બિનકાશ્મીરી મજૂરો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બે બિનકાશ્મીરના મોત થયા હતા અને એકને ઇજા થઈ હતી. પોલીસ અને સુરક્ષા દળોએ આ એરિયાને કોર્ડન કર્યો હતો.
શનિવારે ત્રાસવાદીઓ ખીણમાં બિહારના પાણીપૂરી વેચતા ફેરિયાની અને ઉત્તરપ્રદેશના કારપેન્ટરની ગોળી પર હત્યા કરી હતી. શ્રીનગરમાં બિહારના બાંકી જિલ્લાના ફેરિયા અરબિંદ કુમાર સાહને ગોળી મારવામાં આવી હતી, જ્યારે ઉત્તરપ્રદેશના. કારપેન્ટર સગીર અહેમદને પુલવામાં ગોળી મારવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે આ મહિને ત્રાસવાદીઓએ 11 નાગરિકોની હત્યા કરી છે, જેમાંથી પાંચ નોન-લોકલ મજૂરો છે. આ હુમલા દર્શાવે છે કે ત્રાસવાદીઓ નોન લોકલ્સને કાશ્મીરમાંથી બહાર કાઢવાનો મનસુબો ધરાવે છે. મૃતકોમાં શ્રીનગરમાં ફાર્મસીના માલિક અને કાશ્મીરી પંડિત સમુદાયના અગ્રણી સભ્ય મખન લાલ બિન્દ્રુ, ટેક્સી ડ્રાઇવર મોહમદ શફી લોન, શિક્ષકો દીપક ચાંદ અને સુપેન્દર કોર તથા સ્ટ્રીટ ફૂડ વેન્ડર વિરેન્દ્ર પાસવાનનો સમાવેશ થાય છે.
નાગરિકોની હત્યાને પગલે કાશ્મીરમાં ભયનો માહોલ ઊભો થયો છે અને ટ્રાન્સિટ કેમ્પમાં રહેલા કાશ્મીરી પંડિતો હિજરત કરી રહ્યાં છે. કાશ્મીરી વિસ્થાપિતો માટેની વડાપ્રધાનની વિશેષ સ્કીમ હેઠળ નોકરી મેળવીને કાશ્મીરમાં પત આવેલા સરકારી કર્મચારી સહિત ડઝનો પરિવારો સ્થળાંતર કરી ગયા છે.
જે એન્ડ કેના લેફ્ટનન્ટ ગવર્નરે જણાવ્યું હતું કે “અમે ત્રાસવાદીઓને શોધીને ઠાર કરીશું.” નાગરિકો પર ત્રાસવાદી હુમલાને પગલે પોલીસે મોટાપાયે કાર્યવાહી ચાલું કરી છે અને ત્રાસવાદીઓ સાથે કથિત લિન્ક બદલ આશરે 900ને અટકાયતમાં લીધા છે. સુરક્ષા દળોએ પણ ત્રાસવાદ વિરોધી અભિયાનને વેગીલું બનાવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લાં એક સપ્તાહમાં 13 ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વિજય કુમારે શ્રીનગરમાં જણાવ્યું હતું કે નાગરિકોની હત્યાઓ બાદ નવ એન્કાઉટરમાં 13 ત્રાસવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે. અમે શ્રીનગરમાં છેલ્લાં 24 કલાકમાં પાંચમાંથી ત્રણ ત્રાસવાદીઓને ઠાર કર્યાં છે.