(ANI Photo)

ગુજરાત સહિતના ચાર રાજ્યોમાં કાશ્મીરી પંડિતો અંગેની બહુચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ’ને મનોરંજન કરમાં મુક્તિ આપવામાં આવી છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફિલ્મને કરમુક્ત કરવાની ટ્વીટર જાહેરાત કરી છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત થયેલી તથા ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી હિંદુઓની હત્યા અને ત્યાર બાદ કાશ્મીરમાંથી કાશ્મીરી હિંદુઓની હિજરતને દર્શાવે છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી જેવા કલાકારો છે.

તાજેતરમાં જ હરિયાણા સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી હોવાની જાહેરાત કરી હતી. એક્સાઇઝ અને ટેક્સેસન ડિપાર્ટમેન્ટે હરિયાણામાં આ ફિલ્મને કરમુક્ત કરવાની સત્તાવાર ઘોષણા કરી હતી. આ ફિલ્મમાં આર્ટિકલ 370થી લઈને કાશ્મીરના ઈતિહાસને સમાવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશ સરકારે સોમવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પોલીસ કર્મચારીઓને તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા માટે રજા આપવામાં આવશે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે રાજ્યમાં ફિલ્મને મનોરંજન કરમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો હતો.

આ લો બજેટની ફિલ્મ તમામ વિવાદ અને મુશ્કેલીઓ વચ્ચે બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરી રહી છે. ફિલ્મ 11 માર્ચે રીલીઝ થઈ હતી. ત્રણ દિવસમાં આ ફિલ્મે રૂ.15.10 કરોડની કમાણી કરી હતી. ફિલ્મને લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે.