અમેરિકામાં ગુજરાતી મૂળના કાશ પટેલને ટ્રમ્પ વહીવટીતંત્રે કાર્યકારી ડિફેન્સ સેક્રેટરીના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિમ્યા છે. ટ્રમ્પે ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરને હોદ્દા પરથી દૂર કર્યાના બીજા દિવસે પટેલની નિમણુંક કરાઇ હતી. એસ્પરની જગ્યાએ કાર્યકારી ડિફેન્સ સેક્રેટરી તરીકે ક્રિસ મિલરની નિમણુક કરવામાં આવી છે, મિલર નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ સેન્ટરના વડા હતા.
મિલરે નવી ભૂમિકા અને હોદ્દાનો ચાર્જ સોમવારે લીધો હતો, પેન્ટાગોને એક યાદીમાં કહ્યું હતું. કે હાલમાં નેશનલ સિક્યુરિટી સ્ટાફમાં સેવા આપી રહેલા કાશ પટેલને કાર્યકારી ડિફેન્સ સેક્રેટરી મિલરે તેમના સ્ટાફના વડા તરીકે નિમ્યા હતા. તેઓ સ્ટુઅર્ટની સ્થાન લેશે, જેમણે એક દિવસ અગાઉ આ હોદ્દો છોડયો હતો. કાશ પટેલ તરીકે ઓળખાતા કશ્યપ પ્રમોદ પટેલ હાઉસની પર્મેનન્ટ સિલેક્ટ કમિટીમાં આતંકવાદી વિરોધી પરિષદના સભ્ય હતા.
જૂન, ૨૦૧૯માં ૩૯ વર્ષના પટેલને વ્હાઇટ હાઉસ ખાતે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના કાઉન્ટર ટેરેરિઝમના ડાયરેકટર નિમવામાં આવ્યા હતા. ન્યુયોર્કમાં જન્મેલા કાશ પટેલના માતા-પિતા પૂર્વ આફ્રિકાથી આવ્યા હતા. તેમના માતા તાન્ઝાનિયાના અને પિતા યુગાન્ડાના છે. તેઓ ૧૯૭૦માં કેનેડાથી અમેરિકા આવ્યા હતા. તેમનો પરિવાર ન્યુયોર્કના ક્વિન્સમાં આવીને વસ્યો હતો, જે મિનિ ભારત તરીકે ઓળખાય છે.
કાયદાનો અભ્યાસ કર્યા પછી તેઓ ફલોરિડા ગયા હતા જ્યાં ચાર વર્ષ સુધી સરકારી વકીલ તરીકે કામગીરી બજાવી હતી. આ પછી ફેડરલ પ્રોસિક્યુટર તરીકે પણ ચાર વર્ષ સુધી સેવા બજાવી હતી.