યુવા અભિનેતા કાર્તિક આર્યન બોલીવૂડમાં પોતાનું સ્થાન મજબૂત રીતે જમાવી રહ્યો છે. કાર્તિકે તાજેતરમાં પાનમસાલાની 8 કરોડથી વધુ કિંમતની એક જાહેરાતને ફગાવી હોવાનું કહેવાય છે. થોડા સમય અગાઉ શાહરુખ ખાન, અજય દેવગન અને અક્ષયકુમાર પાન-મસાલાની એક જાહેરાતમાં દેખાતાં લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આથી અત્યારે ઘણા અભિનેતાઓ આવા આરોગ્યને નુકસાન કરે તેવા ઉત્પાદનોની જાહેરાત સ્વીકારતા અનેક વિચાર કરે છે. કાર્તિકે આવી જાહેરાતમાં કામ કરવાની ના કહી હોવાના સમાચારની પુષ્ટી કરતા જાહેરાત ક્ષેત્રના એક જાણીતા એક્સપર્ટે જણાવ્યું હતું કે, એ વાત સાચી વાત છે કે કાર્તિકે આઠ કરોડથી વધુની પાન-મસાલાની જાહેરાત કરવાનો ઇન્કાર કર્યો છે. કાર્તિક કેટલાક સિદ્ધાંતોને અનુસરીને નૈતિક અને સામાજિક જવાબદારી નિભાવી રહ્યો છે. આવા કલાકારો ખૂબ જ ઓછા હોય છે જે નાણાની લાલચમાં ન આવતા હોય છે. આટલી મોટી ફી મળવાની ઓફર ફગાવવી એ ખૂબ જ મોટી વાત છે. યુવાનોમાં તે લોકપ્રિય હોવાથી કાર્તિક જવાબદારીપૂર્વક કામ કરે છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્તિક આર્યન ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ થી મળેલી અણધારી સફળતાથી ખૂબ જ ખુશ છે અને 90 કરોડમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાંથી રૂ. 250 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હોવાથી કાર્તિક રાતોરાત સ્ટાર બની ગયો હતો. પછી તેને મોટા પ્રોજેક્ટ્સ ઓફર થઈ રહ્યા છે. ફિલ્મોની સાથે કાર્તિકની બ્રાન્ડ વેલ્યૂમાં પણ વધારો થયો છે અને કાર્તિકને એક પછી એક અનેક બ્રાન્ડ્સ સાથે જોડાવાની ઓફરો મળતી રહી છે.
બીજી તરફ સેન્સર બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન અને જાણીતા ફિલ્મ નિર્માતા પહેલાજ નિહાલાણીએ જણાવ્યું હતું કે, ‘પાનમસાલા લોકોને ખતમ કરી રહ્યા છે. બોલીવૂડના રોલ મોડલ દ્વારા ગુટકા અને પાનમસાલા ખરીદવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા એ રાષ્ટ્રના આરોગ્ય સાથે રમત રમવા જેવી બાબત છે.’
પાનમસાલા અને આલ્કોહોલની જાહેરાતને સર્ટિફિકેટ આપવું એ કાયદાની વિરુદ્ધમાં છે એવું જણાવતાં પહેલાજ નિહાલાણીએ કહ્યું કે આવી જાહેરાતને સેન્સર બોર્ડ દ્વારા સર્ટિફિકેટ આપવાથી કાયદાનું ઉલ્લંઘન થશે. આ જ કારણ છે કે આવી પ્રોડક્ટ્સનું પ્રસારણ કરવું એ પણ ગેરકાયદે છે. જે પણ કલાકારો આવી જાહેરાતમાં ભાગ લે છે તેમણે જાણી લેવું જોઈએ કે તેઓ ગેરકાયદે પ્રવૃત્તિમાં જોડાઈ રહ્યા છે.’