કર્ણાટકમાં મુખ્યપ્રધાન પદેથી બી.એસ. યેદિયુરપ્પાના રાજીનામા બાદ બસવરાજ બોમ્મઈ રાજ્યના નવા મુખ્યપ્રધાન બન્યા છે. બુધવારે રાજભવનમાં રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે બોમ્મઈને પદના શપથ અપાવ્યા હતા. સવરાજ બોમ્મઈને બી એસ યેદિયુરપ્પાના વિશ્વાસપાત્ર વ્યક્તિરૂપે જોવામાં આવે છે.
આ પહેલા સોમવારના ધારાસભ્ય દળની બેઠકમાં રાજીનામું આપનારા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ જ બોમ્મઈના નામની દરખાસ્ત મુકી હતી. આને સર્વસંમતિથી મંજૂરી કરવામાં આવી હતી. 28 જાન્યુઆરી 1960ના જન્મેલા બસવરાજ સોમપ્પા બોમ્મઈ મુખ્યપ્રધાનની ખુરશી સંભાળી તે પહેલા કર્ણાટકના ગૃહ, કાયદા, સંસદીય મામલાના પ્રધાન હતા.
તેમના પિતા એસ.આર. બોમ્મઈ પણ રાજ્યના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ બસવરાજે જનતા દળની સાથે રાજનીતિની શરૂઆત કરી હતી. તેઓ ધારવાડથી 2 વાર 1998 અને 2004માં કર્ણાટક વિધાન પરિષદ માટે ચૂંટાયા હતા. આ પછી તેઓ જનતા દળ છોડીને 2008માં ભાજપમાં સામેલ થયા હતા.