કોરોનાથી સૌથી અસરગ્રસ્ત રાજ્યોમાંમાં સામેલ કર્ણાટકમાં 27 એપ્રિલ સાંજે છ વાગ્યાથી 14 દિવસનું જડબેસલાક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. કોરોનાના સતત વધતા કેસો વચ્ચે ચેઈનને બ્રેક કરવા માટે સરકારે આ નિર્ણય લીધો હતો.
સોમવારે ત્રણ કલાક સુધી ચાલેલી કેબિનેટ મિટિંગ બાદ રાજ્યના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નિષ્ણાત સમિતિ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ રાજ્ય સરકારે લોકડાઉનનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતાં જ દારુની દુકાનો પર લાંબી લાઈનો લગાવી હતી. જોકે, કર્ણાટકમાં આવી સ્થિતિ ના સર્જાય તે માટે સરકારે દારુની હોમ ડિલિવરી માટે છૂટ આપી છે. સરકારે 1લી મેથી 18 વર્ષથી વધુ વય ધરાવતા તમામ નાગરિકોને ફ્રીમાં વેક્સિન આપવાની પણ જાહેરાત કરી છે.
કર્ણાટકમાં લોકડાઉન દરમિયાન જીવનજરુરિયાતની ચીજવસ્તુઓની દુકાનો પણ સવારે છથી 10 વાગ્યા સુધી જ ખૂલ્લી રહેશે. લોકડાઉન દરમિયાન કૃષિ તેમજ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ચાલુ રાખી શકાશે. સરકારે રાજ્યના ચૂંટણીપંચને આગામી સમયમાં આવી રહેલી પેટાચૂંટણીને ત્રણ મહિના પાછી ઠેલવા પણ વિનંતી કરી છે. લોકડાઉન દરમિયાન રાજ્યની અંદર કે રાજ્યની બહાર ઈમરજન્સી સિવાય પ્રવાસ કરવા પર સખ્ત નિયંત્રણ મૂકાયા છે. કર્ણાટકમાં રવિવારે 34,804 નવા કેસો નોંધાયા હતા, જ્યારે 143ના કોરોનાથી મોત થયા હતા. રાજ્યમાં અત્યારસુધી 13.39 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. કર્ણાટકમાં કોરોનાથી અત્યાર સુધી 14,426 લોકોના મોત થયા છે.