બોલિવૂડ કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલને સોશિયલ મીડિયા મારફત જાનથી મારી નાંખવાની કથિત ધમકી આપવા બદલ મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. આ અંગે મુંબઈના સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પોલીસે વિકી કૌશલ અને કેટરિના કૈફને કથિત ધમકી આપનારા મનવિન્દર સિંહ નામના એક્ટરની ધરપકડ કરી છે. મનવિન્દર સિંહ એક સ્ટ્રગલર છે. તે કેટરિના સાથે લગ્ન કરવા માંગતો હતો તેથી સોશિયલ મીડિયા પર સતત કેટરિના અને વિકીને પરેશાન કરતો હતો. તે કેટરિનાને રસ્તામાં પણ ફોલો કરતો હતો.મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કેટરિના કૈફને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોક કરી રહ્યો હતો અને તેણે ઈન્સ્ટાગ્રામ પર જ અભિનેત્રીને ધમકીભર્યો મેસેઝ મોકલ્યો હતો. વિકી કૌશલે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 506 (2) (ધમકી) અને 354 (ડી) (મહિલાનું અપમાન) હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે આરોપીઓ સામે IT એક્ટ 67 (અશ્લીલ ફોટા, વીડિયો અને કોમેન્ટ્સ પોસ્ટ કરવા) હેઠળ પણ કેસ નોંધ્યો હતો.