જાણીતા ફિલ્મનિર્માતા કરણ જોહરે તાજેતરમાં જણાવ્યું હતું કે, એક સમયના વિશ્વના બોક્સિંગ ચેમ્પિયન માઈક ટાઈસન તેની નવી ફિલ્મમાં અભિનય કરતો જવા મળશે. ‘લાઈગર’નામની આ ફિલ્મમાં તે પદાર્પણ કરશે, જેમાં વિજય દેવરાકોન્ડા અને અનન્યા પાંડે પણ કામ કરશે છે. કરણ જોહરે આ અંગે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ટાઇસને પ્રથમવાર જ બોલીવૂડ ફિલ્મમાં જોવા મળશે. કરણે ટાઈસનની એક ક્લીપ પણ પોસ્ટ કરી હતી જેમાં તે ટાઈસનને રજૂ કરતા કહે છે કે બોક્સિંગ રિંગમાં ઈતિહાસ રચનાર અને હંમેશા અપરાજિત ગ્રેટ માઈક ટાઈસન અમારા પ્રતિષ્ઠિત પ્રોજેકટમાં જોવા મળશે.
આ ક્લિપ પરથી અંદાજ લગાવી શકાય છે કે, આ સ્પોર્ટ્સ ફિલ્મમાં મુખ્ય અભિનેતા વિજયની રિંગમાં વર્લ્ડ ચેમ્પિયન માઈક ટાઈસન સામે ટકરાશે. આ સમાચાર જાણીને વિજય ખૂબ જ ખુશ થયો હતો અને તેણે પણ સોશિયલ મીડિયામાં માઈક ટાઈસનની પ્રશંસા કરી હતી.
જોકે, ફિરોઝ નડિયાદવાલાએ માઇક ટાઇસનને અગાઉ પણ ફૂલ એન્ડ ફાઈનલમાં અભિનય કરવા માટે જણાવ્યું હતું. સની દેઓલ, શાહિદ કપૂર, જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી અભિનિત આ ફિલ્મમાં ટાઈસનની ભૂમિકા મહેમાન કલાકારની હતી પરંતુ તેણે તે સ્વીકારી નહોતી. લાઈગરની રજૂઆત સપ્ટેમ્બર 2020માં નક્કી થઇ હતી પરંતુ મહામારીને કારણે તેમાં વિલંબ થયો. લાઈગર હિન્દી ઉપરાંત તેલુગુ, તામિલ, કન્નડ અને મલાયાલમમાં પણ રજૂ થશે.