એક ટીવી કાર્યક્રમમાં મહંમદ પયગંબર સાહેબના કથિત અપમાનના મુદ્દે ઉત્તરપ્રદેશના કાનપુરમાં શુક્રવાર (3 જૂન)ની નમાઝ બાદ હિંસા ફાટી નીકળી હતી. નમાઝ બાદ એક ટોળાએ બળજબરીપૂર્વક દુકાનો અને બજાર બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો દુકાનદારોએ વિરોધ કર્યો હતો. તેનાથી ટોળાએ એકબીજા પર પેટ્રોલ બોંબ ફેંક્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. પોલીસના હિંસાના આરોપમાં 24ની ધરપકડ કરી હતી અને તેમની સંપત્તિ જપ્ત કરી તેના પર બુલડોઝર ફેરવવાની ચીમકી આપી હતી. આ ઉપરાંત બીજા 800 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. પોલીસ આ હિંસામાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા જેવા સંગઠનોની સંભવિત સંડોવણીની પણ તપાસ કરી રહી છે.
નમાઝ બાદ કાનપુરના પારેડ, નઇ સડક અને યાતીમખાન વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જૂથ અથડામણમાં ટોળાએ પેટ્રોલ બોંબ ફેંક્યા હતા અને ફાયરિંગ કર્યું હતું. તાજેતરમાં ટીવી ડિબેટમાં ભાજપના પ્રવક્તા નુપુર શર્માએ આ કથિત અપમાનજનક ટીપ્પણી કરી હોવાનું માનવામાં આવે છે.
અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે આ ઘટનાની વીડિયો ક્લિપ્સને આધારે હિંસામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરાશે. આરોપીઓ અને ષડયંત્રકારો સામે ગેંગસ્ટર ધારા હેઠળ કાર્યવાહી થશે અને તેમની સંપત્તિ જપ્ત કરાશે અથવા ધ્વંશ કરાશે. મૌલાના મોહંમદ અલી, જોહર ફેન્સ એસોસિયેશનના વડા હયાત ઝફર હાશ્મી સહિતના કેટલાંક સ્થાનિક મુસ્લિમ વડાઓએ આ ટીપ્પણીના વિરોધમાં શુક્રવારે દુકાનો બંધ રાખવાનું એલાન આપ્યું હતું. મુસ્લિમોએ જુલુસ કાઢ્યું હતું. આ દરમિયાન તેઓ હિન્દુ સમુદાયના સભ્યો સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા.