સિંગર કનિકા કપૂરનો પાંચમો કોરોના વાઈરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. કનિકા લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SGPGIMS)માં સારવાર લઈ રહી છે. કનિકાનો ચોથી એપ્રિલ (શનિવાર)એ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, ડોક્ટર્સના મતે, હજી એક વાર ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટ પણ નેગેટિવ આવે તો જ કનિકા કપૂરને ડિસ્ચાર્જ આપવામાં આવશે.
થોડાં સમય પહેલાં હોસ્પિટલના ડિરેક્ટર ડો. આર કે ધીમાને કહ્યું હતું, કનિકાની હાલતમાં સુધારો થઈ રહ્યો છે અને તે સમય પર ભોજન પણ લે છે. સોશિયલ મીડિયામાં કનિકાની તબિયત સારી ના હોવાની વાત તદ્દન ખોટી છે. કનિકા કપૂરનો સતત બે કોરોના વાઈરસનો ટેસ્ટ નેગેટિવ ના આવે ત્યાં સુધી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે નહીં.
કનિકાએ સોશિયલ મીડિયામાં પોતાની તબિયત અંગે પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું, મારી ચિંતા કરવા માટે આભાર. જોકે, હું આઈસીયુમાં નથી. આશા છે કે મારો હવે પછીનો ટેસ્ટ નેગેટિવ આવે. ઘરે જઈને બાળકો તથા પરિવારને મળવાની રાહ જોઈ રહી છું. તેમની ઘણી જ યાદ સતાવે છે.