તાજેતરમાં શિવસેના સાથે વિવાદમાં ઉતરેલી ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે 13 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. કંગનાએ રાજ્યપાલ સાથે પોતાની મુંબઈ ખાતેની ઓફિસમાં મુંબઈ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અથવા BMCએ કરેલી તોડફોડ અંગે વાત કરી હોવાનું માનવામાં આવે છે. કંગના પોતાની બહેન રંગોલી સાથે આવી હતી.
કંગના રાજ્યપાલને મળીને બહાર આવી ત્યારે તેના હાથમાં કમળનું ફૂલ હતું. કંગનાનાં હાથમાં કમળનું ફૂલ જોઈને લોકોમાં ચર્ચા થવા લાગી કે તે હવે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે. કંગનાએ કહ્યું હતું કે એક નાગરિક હોવાને નાતે તેની સાથે જે પણ થયું તે અંગેની વાત તેણે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને કહી હતી. તેની સાથે જે અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો તે વાત તેણે કરી હતી. તેમણે મારી વાત દીકરી માનીને સાંભળી હતી. રાજકારણ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. આશા છે કે તેને ન્યાય મળશે. રાજકારણમાં આવવા અંગે કંગનાએ કહ્યું હતું કે તે રાજકારણમાં આવવાની નથી. અગાઉ રાજ્યપાલ ભગતસિંહે કોશ્યારીએ BMCની કાર્યવાહી પર નારાજગી પ્રગટ કરી હતી.
દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે હાલ હું રાજનીતિ પર વાત કરવા માંગતો નથી. પરંતુ એનો અર્થ એ નથી કે મારી પાસે જવાબ નથી. મહારાષ્ટ્રને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેથી હું મહારાષ્ટ્રની બદનામી પર વાત નહી કરું. ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કંગના અંગે કંઇ કહ્યું ન હતું.