કંગના રનૌતે ફરીથી એક ફિલ્મમાં ચેલેન્જિંગ ભૂમિકા સ્વીકારી છે. તે સીતા-એક અવતાર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ડાયરેક્ટર અલૌકિક દેસાઇએ આ વાતની પુષ્ટિ સોશિયલ મીડિયા પર કંગનાની એક તસવીર પોસ્ટ કરીને આપી છે. છેલ્લા થોડા સમય અગાઉ આ ભૂમિકા માટે કરીના કપૂરનું નામ ચર્ચામાં હતું.
તેણે આ ફિલ્મમાં કામ કરવા માટે ફી પેટે રૂ. 12 કરોડની માગણી કરી હતી તેવું કહેવાય છે. જોકે, હવે ખુદ ફિલ્મના ડાયરેક્ટરે કંગનાના નામની જાહેરાત કરતા ભૂમિકા કોણ ભજવશે તે બાબતે પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. અલૌકિકે લખ્યું હતું કે, હું ફિલ્મ સીતાના એક અવતારમાં સીતાના રોલમાં કંગનાને ફિલ્મમાં દર્શાવવા ઉત્સાહિત છું. અમારી આ પવિત્ર યાત્રા આપણી પૌરાણિક કથાઓને જોવાની દૃષ્ટિ બદલાવશે તેવી મને આશા છે.
ફિલ્મની નિર્માત્રી સલોની શર્માએ જણાવ્યું હતું કે, અમારી આ ફિલ્મમાં કંગનાના આવવાથી અમે ખુશ છીએ. કંગના એક વાસ્તવીક ભારતીય મહિલાની ભાવનાના પ્રતીક સમાન છે, તે નિડર અને સાહસિક પણ છે. ફિલ્મના લેખકે તો અગાઉથી જ આ ભૂમિકા માટે કંગનાના નામનું સૂચન કર્યું હતું.
જ્યારે આ ફિલ્મમાં રાવણનો રોલ માટે રણવીર સિંઘના નામની ચર્ચા થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ભૂમિકા માટે મે મહિનામાં જ રણવીરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સૂત્રો એમ પણ કહે છે કે, રણવીરને આ ફિલ્મમાં તેનો રોલ ગમ્યો હતો અને તે ફાઇનલ નેરેશન માટે રાહ જોઈ રહ્યો હતો.