(PTI Photo/Arun Sharma)

બોલીવૂડમાં જેનું નામ હંમેશા વિવાદાસ્પદ રહ્યું છે તે કંગના રણોતની બહુચર્ચિત ફિલ્મ ‘ઇમરજન્સી’ હવે આવતા વર્ષે રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ 14 જૂને રિલીઝ થવાની હતી. પરંતુ કેટલાક વિવાદોને કારણે ફિલ્મની રિલીઝ થઇ શકી નહોતી. ભારતીય લોકશાહીના ઇતિહાસની સૌથી વિવાદીત ઘટના દર્શાવતી એક મોટા બજેટની આ ફિલ્મ હોવાનો દાવો ફિલ્મ નિર્માતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ દેશનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના જીવન પર આધારીત છે.

કંગનાએ સોશિયલ મીડિયામાં આ ફિલ્મ રિલીઝની નવી તારીખ જાહેર કરી હતી. પોસ્ટર જાહેર કરવાની સાથે તેણે 17 જાન્યુઆરી, 2025 તારીખ પણ જાહેર કરી હતી. આ સાથેની કૅપ્શનમાં તેણે લખ્યું હતું, “17 જાન્યુઆરી 2025, આ દેશની સૌથી શક્તિશાળી મહિલાની મહાગાથા અને એ ક્ષણ જેણે ભારતનું ભાગ્ય બદલી નાંખ્યું. ઇમરજન્સી આપની સમક્ષ માત્ર સિનેમામાં ખુલશે.” આ ફિલ્મમાં કંગના ઇન્દિરા ગાંધીની મુખ્ય ભૂમિકા તો ભજવે જ છે સાથે તેણે આ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે, તે જ આ ફિલ્મની લેખિકા અને નિર્માત્રી પણ છે. કંગના સાથે આ ફિલ્મમાં અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી, અને શ્રેયસ તળપદે જેવા જાણીતા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.

શ્રેયસ તળપદે આ ફિલ્મમાં અટલ બિહારી બાજપાઈના રોલમાં છે. જ્યારે અનુપમ ખેર જયપ્રકાશ નારાયણનું પાત્ર ભજવે છે. આ ફિલ્મમાં સ્વ. ફિલ્મકાર સતિશ કૌશિક ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવનરામનું પાત્ર ભજવતા દેખાશે. વિવિધ પ્રકારના વિવાદો બાદ સેન્સર બોર્ડે પણ કેટલાક દૃશ્યો-સંવાદ સામે વાંધો ઊઠાવ્યો હતો. વિવાદોના ઉકેલ બાદ અંતે કંગનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કર્યું હતું કે આખરે તેની ફિલ્મને સેન્સર બોર્ડની મંજૂરી મળી ગઈ હોવાથી હવે આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

LEAVE A REPLY