બોલીવૂડમાં છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા વિવાદો ઊભા કરવામાં યુવા અભિનેત્રી કંગના રણોતનું નામ મોખરે છે. સોશિયલ મીડિયા દ્વારા તે દિગ્ગજ ફિલ્મકારોની ટીકા કરવાનું છોડતી નથી. હવે તેણે એક દંપત્તી અંગે નવી વાત કહીને ફરીથી વિવાદ છેડ્યો છે. જોકે, તેણે તેમનું નામ નથી આપ્યું પણ આ દંપત્તીનાં વિદેશ પ્રવાસની વાત કરી છે. કંગનાએ જણાવ્યું કે, “આ ટ્રિપમાં પત્ની અને પુત્રી નહોતાં ગયા.” ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રણબીર કપૂર માતા નીતુનાં જન્મ દિવસે લંડનમાં હતો, જ્યારે આલિયા ભટ્ટ અને દીકરી રાહા ભારતમાં જ હતા. કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લાંબી પોસ્ટમાં લખ્યું છે, “એક નકલી પતિ-પત્ની અલગ અલગ ફ્લોર પર રહે છે. કપલ હોવાનો દેખાડો કરે છે. ફિલ્મ એનાઉન્સમેન્ટનાં નકલી સમાચારો ફેલાવે છે, જે બનતી નથી. વળી એક બ્રાન્ડને પોતાની બ્રાન્ડ બતાવે છે. પણ કોઇએ એમ ન લખ્યું કે પત્ની અને દીકરી ફેમિલી ટ્રિપ પર નહોતા ગયા.”
કંગનાએ આગળ લખ્યું છે, “કહેવાતો પતિ મને મળવા માટે વિનંતી કરતો હતો. આ નકલી જોડીને એક્સ્પોઝ કરવાની જરૂર છે. આવું ત્યારે જ થાય જ્યારે તમે ફિલ્મનાં પ્રમોશન, પૈસા અને કામ માટે લગ્ન કરતા હોવ, પ્રેમ માટે નહીં. આ એક્ટરનાં માફિયા ડેડીએ મૂવી ટ્રાયોલોજીનો દાવો કર્યો હતો. તેનાં પ્રેશરમાં પાપાની પરી સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મ ટ્રાયોલોજી બંધ થઈ ગઈ છે અને હવે તે આ ફેક મેરેજથી છુટકારો મેળવવા ઇચ્છે છે. પણ તેનાં માટે આ દુઃખદ છે. તેણે પોતાની પત્ની અને પુત્રી પર ધ્યાન આપવું જોઇએ. આ ઇન્ડિયા છે. અહીં એક વાર લગ્ન થઇ ગયા તો થઈ ગયા. હવે સુધરી જાવ.”
અગાઉ, આ વર્ષનાં પ્રારંભમાં કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ‘ચંગુ મંગુ’ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે રેડ્ડિટના યુઝર્સે જણાવ્યું હતું કે કંગના રણબીર-આલિયાની વાત કરી રહી છે. કંગનાની નવી ફિલ્મ 20 ઓક્ટોબરે થીયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તે એરફોર્સ પાયલટની ભૂમિકા ભજવી રહી છે.