ભારત સરકારે કંધાર વિમાન અપહરણ કેસના આરોપી મુશ્તાક અહેમદ ઝરગરને ત્રાસવાદી જાહેર કર્યો છે. ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ આઇસી-814ના હાઇજેક કરવામાં આવેલા વિમાનના મુસાફરોના બદલામાં બીજા કેટલાંક આતંકીઓની સાથે ઝરગરને પણ છોડવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં શ્રેણીબદ્ધ આતંકી હુમલામાં પણ તે સંડોવાયેલો હતો.
છેલ્લાં એક સપ્તાહમાં ત્રાસવાદી જાહેર કરાયો હોય તેવો ઝરગર ચોથો આતંકી છે. ઝરગર હાલમાં પાકિસ્તાનમાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ઝરગર ઉર્ફે લતરામ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર વિસ્તારનો વતની છે. તે આતંકી જૂથ અલ-ઉમર-મુઝાહિદ્દીનનો સ્થાપક અને ચીફ કમાન્ડર છે તથા તે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ સાથે જોડાયેલો છે. ગેરકાયદે શસ્ત્રોની તાલીમ લેવા માટે તે પાકિસ્તાન ગયો હતો અને 1999ના પ્લેન હાઇજેકિંગ દરમિયાન અપહ્યુત લોકોના બદલામાં છોડવામાં આવેલો એક આતંકી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઝરગર જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદને ભડકાવવા માટે પાકિસ્તાનમાંથી નિરંતર ઝુંબેશ ચલાવી રહ્યો છે. તે હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, ત્રાસવાદી હુમલો અને ટેરર ફંડિગ સહિતના સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલો છે. ઝરગર માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ખતરો છે, કારણ કે અલ કાયદા અને જેશે મોહંમદ જેવા કટ્ટર ત્રાસવાદી સંગઠનો સાથે જોડાણ ધરાવે છે.
