પાકિસ્તાનમાં હિન્દુ ધર્મના લોકો પર અત્યાચારોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. પંજાબ પ્રાંતમાં સગીર વયની બે હિન્દુ બહેનો પર બે પુરુષોએ કથિત રીતે પાશવી બળાત્કાર કર્યો હતો. બંને બહેનો ખેતરમાં કુદરતી હાજત માટે ગઈ ત્યારે તેમને બંદુકની અણીએ બંધક બનાવીને આ કૃત્ય કરવામાં આવ્યું હતું અને પોલીસે ત્રણ દિવસ સુધી કેસ પણ દાખલ કર્યો ન હતો.
એરિયા પોલીસ અધિકારી ઇર્શાદ યાકુબે જણાવ્યું હતું કે 16 અને 17 વર્ષની બે બહેનો સાથે 5 જૂને આ ઘટના બની હતી. બંને બહેનો લાહોરથી આશરે 300 કિમી દૂર આવેલા બહાવલનગર, ફોર્ટ અબ્બાસ ખાતેના પોતાના ઘરેથી સવારે કુદરતી હાજત માટે નજીકના ખેતરમાં ગઈ હતી, ત્યારે બે નરાધમોએ તેમને બંદુકની અણીએ બંધક બનાવી હતી. આરોપીની ઉમૈર અશફાક અને કાશીફ અલી તરીકે ઓળખ થઈ હતી. આ બંને નરાધમો બળાત્કાર ગુજારી ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા હતા. બંને સગીર યુવતીનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બળાત્કારને પુષ્ટી મળી હતી.
પોલીસે ત્રણ દિવસના વિલંબ બાદ કેસ દાખલ કર્યો હતો. આ વિસ્તારના કેટલાંક વગદાર લોકોએ પીડિત પરિવાર પર સમાધાન કરવા માટે ભારે દબાણ કર્યું હતું અને તેમને પોલીસનો સાથ મળ્યો હતો. એક શંકાસ્પદ બળાત્કારી કાશીફ આ વિસ્તારના એક વગદાર પરિવારનો હોવાનું માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે યુવતીઓના પિતાની ફરિયાદને આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. બળાત્કારી ઉમૈરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા આરોપીને કોર્ટમાંથી ધરપકડ પહેલા જામીન મળી ગયા હતા.