ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલે બુધવારે વિધાનસભામાં રજૂ કરેલા રાજ્યના બજેટમાં કેવડિયા ખાતે ‘કમલમ’ ફ્રૂટની ખેતી માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સરકારે તાજેતરમાં ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ કરવાની જાહેરાત કર્યા બાદ હવે બજેટમાં પણ તેના માટે ફાળવણી કરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે સત્તાધારી ભાજપનું પ્રતિક કમળ છે.
નર્મદા જિલ્લાના કેવડિયામાં કમલમના વાવેતર માટે રૂ.15 કરોડની ફાળવવામાં આવી છે. કમલમના બે લાખ રોપા નર્સરીમાં ઉછેર કરી કેવડિયાની આજુબાજુના 50 કિલોમીટરની ત્રિજ્યામાં કમલમનું વાવેતર તથા જાળવણી કરવાની સરકારની દરખાસ્ત છે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બજેટ પ્રવચનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન સ્થળનો યોજનાબદ્ધ રીતે વિકાસ થાય તે માટે સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીની રચના કરશે. કેવડીયાના સંકલિત વિસ્તારમાં જંગલ સફારી, આરોગ્ય વન, એકતા ક્રુઝ, રીવર રાફ્ટીંગ,નેવિગેશન ચેનલ, ગરુડેશ્વર વિયર, હાઈ-લેવલ ગોરા બ્રિજ, બે બસ ટર્મિનસ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે રૂ.652 કરોડની જોગવાઈની કરાઈ છે.