અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસને મારી નાંખવાની કથિત ધમકી આપવા બદલ 39 વર્ષીય નર્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નર્સ નિવિયેની પેટિટ ફેલ્પે 13 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી દરમિયાન હેરિસને જાનથી મારી નાંખવાની કથિત ધમકી આપી હતી, એમ રવિવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
અમેરિકન સિક્રેટ સર્વિસની તપાસ બાદ ફ્લોરિડા રાજ્યમાંથી આ નર્સની ધરપકડ કરવામાં આવી છે. કમલા હેરિસ વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચુંટાયેલા પહેલા મહિલા અને ભારતીય મૂળના નાગરિક છે.
આ નર્સે જેલમાં પૂરાયેલા પોતાના પતિને કોમ્પ્યુટર એપ્લિકેશન દ્વારા એક વિડિયો મોકલ્યો હતો. આ પ્રકારનો વિડિયો કેદીઓને પરિવારો સાથે કનેક્ટ કરવા માટે મોકલવાની છુટ છે. આ વિડિયોમાં નર્સ પેટિટે કેમેરા સામે પ્રેસિડેન્ટ જો બાઈડેન અને વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ માટે નફરતભર્યા શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
આ વિડિયોમાં પેટિટે જણાવ્યું હતું કે કે, કમલા હેરિસ તુ મરવા જઈ રહી છે. હવે તારા ગણતરીના દિવસો જ બચ્યા છે. એ પછી 18 ફેબ્રુઆરીએ મોકલેલા બીજા વિડિયોમાં પણ પેટિટે કહ્યું હતું કે, આજે હું ગન રેન્જ પર પ્રેકિટસ કરવા જઈ રહી છું. ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે તુ મરવાની છે. આજથી પચાસ દિવસ બાદ, મારા શબ્દો યાદ રાખજે.