અમેરિકામાં કોરોના વાયરસના સંકટ વચ્ચે પ્રમુખ પદની ચૂંટણીની તૈયારીઓ ચાલુ છે. 3 નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી પહેલા ડેમોક્રેટ્સના પ્રમુખ પદના ઉમેદવાર જો બિડેને પોતાના ઉપપ્રમુખ પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું. ભારતીય મૂળના અમેરિકી સેનેટર કમલા હેરિસ હવે ડેમોક્રેટ્સ તરફથી ઉપપ્રમુખ પદના ઉમેદવાર બનશે. જો બિડેને મંગળવારે ટ્વિટરના માધ્યમથી આ અંગેની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ ચારે બાજુથી શુભેચ્છાઓનો ધોધ વહેવાનું ચાલુ થયું હતું.

જો બિડેને ટ્વિટમાં લખ્યું હતું કે, ‘તેઓ આ યુદ્ધમાં કમલા હેરિસને પોતાના જોડીદાર બનાવીને ખૂબ જ ખુશ છે. તેમની ગણતરી દેશના સૌથી સારા સેનેટરમાં થાય છે. મેં ઘણાં લાંબા સમય સુધી તેમના સાથે કામ કર્યું છે. તેમણે મહિલાઓ અને બાળકો માટે શાનદાર કામ કર્યું છે અને ભવિષ્ય ઘડ્યું છે.’

તેમનું ઈન્ડિયા કનેકશન પણ ખૂબજ મજબૂત છે. તેઓ નાના હતા ત્યારે ત્યાં જતા, મોસાળમાં રહેતા પણ હતા.આ જાહેરાત બાદ કમલા હેરિસે પણ ટ્વિટ કરી હતી અને પાર્ટીનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે, જો બિડેન લોકોને જોડનારા માણસ છે અને પોતાની રાજકીય કારકિર્દીમાં તેમણે આ કામ કર્યું છે. મને આનંદ છે કે હું તેમની પ્રમુખ પદની ઉમેદવાર બની છું અને તેઓ જે પણ કહેશે, હું મારા કમાન્ડર ઈન ચીફની વાત માનીશ.

ઉલ્લેખનીય છે કે 55 વર્ષીય કમલા હેરિસ ભારતીય મૂળના પ્રથમ એવા મહિલા છે જે આટલા મોટા પદના ઉમેદવાર બન્યા છે. આના પહેલા તેઓ ભારતીય મૂળના પ્રથમ એવા મહિલા હતા જે સેનેટર તરીકે ચૂંટાયા હોય. છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં અશ્વેત લોકો, બહારના લોકો અને એશિયન કોમ્યુનિટી દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં કમલા હેરિસ આ પોઝિશન માટે ફિટ છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

કમલા હેરિસે શરૂઆતમાં પ્રમુખ પદ માટે પોતાનું કેમ્પેઈન શરૂ કર્યું હતું પરંતુ થોડા સમય બાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચીને જો બિડેનને સમર્થન આપ્યું હતું. આગામી 3 નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી પર સૌ કોઈની નજર અટકેલી છે કારણ કે હવે ભારતીય મૂળના આશરે 15 લાખ મતદાતાઓ ડેમોક્રેટ્સ બાજુ નમી શકે છે

અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પણ કમલા હેરિસના વખાણ કર્યા હતા. તેમણે પોતે ઘણાં સમયથી કમલા હેરિસને ઓળખે છે અને તેઓ આ કામ માટે સંપૂર્ણપણે તૈયાર છે તેમ જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, ‘તેમણે પોતાની કારકિર્દી બંધારણની રક્ષા માટે ખર્ચી છે, આજે દેશ માટે એક સારો દિવસ છે.

કમલાની માતા શ્યામલા
બ્રેસ્ટ કેન્સર સર્જન
કમલા હેરિસ ભારતીય બ્રેસ્ટ કેન્સર સર્જન શ્યામલા ગોપાલનના પુત્રી છે. શ્યામલા ગોપાલન 1960માં ચેન્નાઇથી અમેરિકા ગયાં અને પછી ત્યાં જ વસી ગયાં. અમેરિકામાં તેમણે જમૈકન મૂળના ઇકોનોમિક્સના પ્રોફેસર ડોનાલ્ડ હેરિસ સાથે લગ્ન કર્યાં. જોકે તેમના લગ્ન લાંબુ ન ટક્યાં અને કમલાની ઉંમર પાંચ વર્ષની હતી ત્યારે તેના માતાપિત જુદાં થઇ ગયાં. એ પછી કમલા અને તેમની નાની બહેન માયાનો ઉછેર તેમના માતાએ જ કર્યો. કમલાના નાના બહને માયા પણ રાજકારણમાં છે અને 2016ની પ્રમુખની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનનો પ્રચાર પણ કરી ચૂક્યાં છે.
પિતા અર્થશાસ્ત્રના પ્રોફેસર
કમલાના પિતા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. કમલાની એક બહેન પણ છે, જેનું નામ પણ માયા એવું ભારતીય રખાયું છે. કમલા હૈરીસ અશ્વેત વારસો ધરાવે છે. એટલે જ તેને કેટલાક લોકો ફીમેલ ઓબામાં તરીકે ઓળખવામાં આવે છે. કમલાની માતા શ્યામલા ગોપાલનનું વર્ષ 2009માં આંતરડાનું કેન્સરના કારણે નિધન થયું હતું.
કમલાને માતા પર શ્રદ્ધા
અમેરિકામાં ભારતીય સાંસદ કમલા હેરિસે પ્રમુખપદની ચૂંટણી માટે 27 જાન્યુઆરી 2019ના રોજ રેલીઓ આરંભી હતી. હેરિસ કેલિફોર્નિયાના ડેમોક્રેટિક પક્ષનાં સાંસદ છે. હેરિસે રવિવારે હોમટાઉન ઓકલન્ડમાં અંદાજે 30 મિનિટ ભાષણ આપ્યું. રેલીમાં અંદાજે 20 હજાર લોકો હતા. હેરિસે કહ્યુંકે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ચૂંટણી લડવી સરળ નહીં હોય. મારી માતા શ્યામલા ગોપાલન કહેતી હતા કે હાથ પર હાથ રાખીને બેસવાથી કામ નહીં ચાલે. હું માતા તરફથી મળેલી શીખ સાથે પ્રમુખપદની દાવેદારી કરું છું. મને અમેરિકા પ્રત્યે પ્રેમ છે. હેરિસે ટ્રમ્પની ટીકા કરતા કહ્યું કે મેક્સિકો સરહદ પર દીવાલ બનાવવાની ટ્રમ્પની જીદ લોકતંત્ર પર હુમલો છે.
એક જ દિવસમાં 10 કરોડ એકઠા કર્યા
કમલા હેરિસે રાષ્ટ્ર પ્રમુખની દાવેદારીની ઘોષણા કર્યાના 24 કલાકમાં 15 લાખ ડોલરથી વધુ રકમ એકઠી કરી. તેમણે કહ્યું કે તેઓ એવા દિવસે દાવેદારીની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે કે જ્યારે અમેરિકા મહાત્મા ગાંધીથી પ્રેરિત માર્ટિન લ્યુથર કિંગ જુનિયર દિવસનો જશ્ન મનાવી રહ્યું છે. મીડિયા રિપોટસ મુજબ હેરિસે એબીસીના ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ કાર્યક્રમમાં જાહેરાત કર્યાના 24 કલાકની અંદર 38હજાર દાતાઓએ તેમના અભિયાન માટે રૂ. 10.69 કરોડ આપ્યા. કમલાએ એની જાહેરાત સોશિયલ મીડિયા પર પણ કરી હતી અને તેને સહકાર બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
વકીલાતનો વ્યવસાય
કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરીને કમલા હેરિસે ઘણાં વર્ષો વકીલ તરીકે પ્રેકટિસ કરી. 1990માં તેમને કેલિફોર્નિયાના અલ્મિડા શહેરના નાયબ ડિસ્ટ્રિક્ટ એટર્ની તરીકે કામ કરવાનો અવસર મળ્યો. એ પછી 2003માં તેમને સાન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે ચૂંટવામાં આવ્યાં. આ હોદ્દા ઉપર પહોંચનારા તેઓ પહેલા મહિલા હતાં.