અમેરિકા ઇરાનને પરમાણુ હથિયાર મેળવવા દેશે નહીં, એમ અમેરિકાના ડેમોક્રેટિક પક્ષના ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે જો તેઓ સત્તા પર આવશે તો બાયડન વહીવટીતંત્ર તહેરાન સાથે ઓબામા યુગના પરમાણુ કરારને મજબૂત બનાવવા માટે સાથીઓ સાથે મળીને કામ કરશે. ટ્રમ્પ વહીવટીતંત્ર સામે નિશાન સાધતા ભારતીય મૂળના સેનેટર હેરિસે જણાવ્યું હતું કે બધા જાણે છે કે આ પરમાણુ કરારે ઇરાનના પરમાણુ હથિયાર મેળવવાના માર્ગને અવરોધિત કર્યો હતો.

તેને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો અને અમેરિકાની ગુપ્તચર સમુદાય દ્વારા પણ ચકાસવામાં આવ્યો હતો અને આ કરાર બરાબર કામ કરી રહ્યો હતો, પરંતુ ટ્રમ્પે ઇરાન સાથે વધુ સારો કરાર કરવાનું જણાવી જૂનો કરાર રદ કર્યો, જેને કારણે ઇરાને તેની પરમાણુ પ્રવૃત્તિ સુધારી દીધી અને વધુ આક્રમક રવૈયો અપનાવ્યો. હું એ સ્પષ્ટ જણાવવા માગું છું કે અમે ઇરાનને પરમાણુ શસ્ત્ર મેળવવાની મંજૂરી નહીં આપીએ. અમે ઇઝરાયલને અમેરિકાનું અતૂટ સમર્થન ચાલુ રાખીશું.