પ્રથમ ભારતીય-અમેરિકન અને બ્લેક મહિલા તરીકે અમેરિકાના ઉપ પ્રમુખપદના ઉમેદવાર બનીને ઇતિહાસ સર્જનારા કમલા હેરિસે પ્રમુખ ટ્રમ્પના નેતૃત્વને તદ્દન નિષ્ફળ ગણાવ્યું હતું. એમના શાસને અમેરિકનોના જીવન અને જીવતર છીનવી લીધા હતા. ગયા સપ્તાહે આયોજીત ડેમોક્રટિક પાર્ટીના વર્ચ્યુઅલ સમ્મેલનમાં પોતાની જાતને ભારત અને જમૈકાના ઇમિગ્રેન્ટ્સની પુત્રી તરીકે ગણાવીને ૫૫ વર્ષના હેરિસે ચેન્નાઇમાં જન્મેલા પોતાના માતા યાદ કર્યા હતા. તેમણે પોતાની બે પુત્રીઓને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા અને સંઘર્ષનો સામનો કરવા તેમજ સહનશીલ અને દયાળુ બનવાનું શીખવાડયું હતું.
મારી માતાએ મને શીખવાડયું હતું કે લોકોની સેવા કરવાથી તમારૂ જીવન સાર્થક બનશે. હું ઇચ્છું છેં કે કાશ તે અહીયાં હોત, ખેર તે ઉપરથી જોતી હશે’ એમ ઉપપ્રમુખપદની ઉમેદવારીનો સ્વીકાર કરતી વખતે તેમણે કહ્યું હતું. હેરિસે કહ્યું હતું કે તેમના માતા શ્યામલા ગોપાલન હેરિસે કદી વિચાર પણ કર્યો નહીં હોય કે ‘હું તમારી સમક્ષ ઊભી રહીને લેકચર આપતી હોઇશ. અમેરિકાના ઉપ પ્રમુખપદની ઉમેદવારીનો હું સ્વીકાર કરૂં છું’. મારી માતાએ અમને અશ્વેત અને ગૌરવપૂર્ણ રીતે જીવવા શીખવાડયું હતું. તેમણે ભારતીય સંસ્કૃત્તિ પર ગૌરવ કરવા શીખવાડયું હતું, એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ઓબામાએ કહ્યું હતું કે ટ્રમ્પ પ્રમુખપદને લાયક જ નથી. તેઓ એ કામ કરી જ ના શકે.’ડોનાલ્ડ ટ્રમ્પ આ કામ કરવા પેદા જ થયા નથી. તેમણે કરેલા કામના પરિણામ ખુબ જ ઘાતક છે. ૧૭૦,૦૦૦ અમેરિકનો કોરોનામાં માર્યા ગયા હતા. તેઓ અક્ષમ પ્રમુખ છે. લાખો અમેરિકનોની નોકરી ગઇ. આખા વિશ્વમાં આપણી આબરૂના ધજાગરા ઉડયા હતા. આપણી લોકશાહી સંસ્થાઓ પર અગાઉ ક્યારે ના હોય એવું જોખમ ઊભું થયું હતું. તેમણે ખાસ તો યુવાનોને ઉદ્દેશીને કહ્યું હતું કે જો જો આપણી લોકશાહી ખોવાઇ ના જાય. તમારે ભેગા થઇને એનું જતન કરવાનું છે. ટ્રમ્પ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે દેશના દસ્તાવેજો પર જોખમ છે, તેમને બચાવવા પડશે.