અમેરિકામાં કોરોના વાયરસના સંકટ વચ્ચે પ્રેસિડેન્ટ પદની ચૂંટણીની તૈયારીઓ ચાલુ છે. 3 નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી પહેલા ડેમોક્રેટ્સના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું.
ભારતીય મૂળના અમેરિકી સીનેટર કમલા હેરિસ હવે ડેમોક્રેટ્સ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે. જો બિડેને મંગળવારે ટ્વિટરના માધ્યમથી આ અંગેની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ ચારે બાજુથી શુભેચ્છાઓનો ધોધ વહેવાનું ચાલુ થયું હતું.
જો બિડેને ટ્વિટમાં લખ્યું હતું કે, ‘તેઓ આ યુદ્ધમાં કમલા હેરિસને પોતાના જોડીદાર બનાવીને ખૂબ જ ખુશ છે. તેમની ગણતરી દેશના સૌથી સારા સીનેટરમાં થાય છે. મેં ઘણાં લાંબા સમય સુધી તેમના સાથે કામ કર્યું છે. તેમણે મહિલાઓ અને બાળકો માટે શાનદાર કામ કર્યું છે અને ભવિષ્ય ઘડ્યું છે.’
આ જાહેરાત બાદ કમલા હેરિસે પણ ટ્વિટ કરી હતી અને પાર્ટીનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે, જો બિડેન લોકોને જોડનારા માણસ છે અને પોતાની રાજકીય કારકિર્દીમાં તેમણે આ કામ કર્યું છે. મને આનંદ છે કે હું તેમની રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બની છું અને તેઓ જે પણ કહેશે, હું મારા કમાન્ડર ઈન ચીફની વાત માનીશ.
ઉલ્લેખનીય છે કે 55 વર્ષીય કમલા હેરિસ ભારતીય મૂળના પ્રથમ એવા મહિલા છે જે આટલા મોટા પદના ઉમેદવાર બન્યા છે. આના પહેલા તેઓ ભારતીય મૂળના પ્રથમ એવા મહિલા હતા જે સીનેટર તરીકે ચૂંટાયા હોય. છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં અશ્વેત લોકો, બહારના લોકો અને એશિયન કોમ્યુનિટી દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં કમલા હેરિસ આ પોઝિશન માટે ફિટ છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કમલા હેરિસે શરૂઆતમાં રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું કેમ્પેઈન શરૂ કર્યું હતું પરંતુ થોડા સમય બાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચીને જો બિડેનને સમર્થન આપ્યું હતું. આગામી 3 નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી પર સૌ કોઈની નજર અટકેલી છે કારણ કે હવે ભારતીય મૂળના આશરે 15 લાખ મતદાતાઓ ડેમોક્રેટ્સ બાજુ નમી શકે છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કમલા હેરિસના વખાણ કર્યા હતા. તેમણે પોતે ઘણાં સમયથી કમલા હેરિસને ઓળખે છે અને તેઓ આ કામ માટે સંપૂર્ણપણે તૈયાર છે તેમ જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, ‘તેમણે પોતાની કારકિર્દી બંધારણની રક્ષા માટે ખર્ચી છે, આજે દેશ માટે એક સારો દિવસ છે.’