બોલીવૂડ અને સાઉથની ફિલ્મોના જાણીતા અને પીઢ અભિનેતા કમલ હાસન અને ફિલ્મ મેકર મણિરત્નમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સરપ્રાઈઝ આપી હતી. તેમણે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, તમિલ પ્રોજેક્ટ માટે 35 વર્ષ પછી તેઓ ફરીથી સામે કામ કરશે.
કમલ હાસનના 68મા જન્મ દિન પર આ જાહેરાત થઈ હતી. તમિલ ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી, પરંતુ તેને કમલ હાસન અને મણિરત્ન પ્રોડ્યુસ કરશે તથા તેમાં એ. આર રહેમાનનું સંગીત હશે. કમલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, અમે ફરી ભેગા થયા છીએ. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી, પરંતુ તે કેએચ 234 તરીકે ઓળખાશે, કારણ કે આ કમલની 234મી ફિલ્મ છે. કમલ હાસનના આ એનાઉન્સમેન્ટ સાથે જ ફેન્સને આશ્ચર્ય થયું હતું અને કોમેન્ટ્સ-લાઈક્સ શરૂ થઈ ગયા હતા. લીજન્ડરી ફિલ્મ મેકર્સ ભેગા થાય તો કેવી ફિલ્મ બનાવશે ત્યાંથી માંડીને આ બાબત માનવામાં નહીં આવતી હોવાની કોમેન્ટ્સ થઈ હતી.
કમલ હાસન અને મણિરત્નમે છેલ્લે 1987માં નાયકન ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ ખૂબ વખણાઈ હતી. મુંબઈમાં ધાક જમાવનારા તમિલ ગેંગસ્ટર્સ આધારિત આ ફિલ્મ પછી તેમણે ક્યારેય સાથે કામ કર્યું ન હતું. કમલ હાસનની છેલ્લી ફિલ્મ વિક્રમ અને મણિરત્નમની પોન્નિયન સેલ્વન 1 સુપર-ડુપર હિટ સાબિત થઈ છે. વધતી ઉંમરની સાથે પણ આધુનિક રીતે કામ કરનારા બંને ફિલ્મ મેકર્સ દર્શકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. કમલ હાસન અત્યારે ઈન્ડિયન 2નું શૂટિંગ કરી રહ્યા છે. 2020માં ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર અકસ્માત સર્જાયો હતો અને ત્રણ લોકોના મોત થયા હતા. બે વર્ષના બ્રેક બાદ શૂટિંગ ફરી શરૂ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ, કાજલ અગ્રવાલ, રકુલપ્રીત સિંહ, બોબી સિમ્હા અને પ્રિયા ભવાની શંકર મહત્ત્વના રોલમાં છે.