ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહનું શનિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 89 વર્ષ હતી. તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી લખનૌ પહોંચ્યા હતા અને તેમના નિવાસ સ્થાને જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ તેમના સાથે ઉપસ્થિત હતા.
કલ્યાણ સિંહનો પાર્થિવ દેહ તેમના લખનૌ ખાતેના નિવાસસ્થાન પર લઈ જવામાં આવ્યો હતો. કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજો લખનૌ પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, કલ્યાણ સિંહે પોતાના નામને સાર્થક કર્યું હતું. જીવનભર જન કલ્યાણ માટે જીવ્યા હતા. તેમણે જન કલ્યાણને જ પોતાનો મંત્ર બનાવ્યો હતો. ભાજપ, જનસંઘ અને સમગ્ર પરિવારને આ વિચાર માટે, દેશના ઉજ્વળ ભવિષ્ય માટે સમર્પિત કર્યો. તેઓ દરેક ખૂણામાં વિશ્વાસનું એક નામ બની ગયા હતા. જીવનનો મોટા ભાગનો સમય તેઓ જનકલ્યાણ માટે પ્રયત્નરત રહ્યા હતા. વડાપ્રધાન મોદી કલ્યાણ સિંહના પરિવારજનોને પણ મળ્યા હતા.
કલ્યાણ સિંહ 48 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. 7 દિવસથી વેન્ટિલેટર પર હતા.કલ્યાણ સિંહનો જન્મ તારીખ 5 જાન્યુઆરી, 1932ના દિવસે ઉત્તરપ્રદેશના અલીગઢમાં થયો હતો. તેઓ 2 વખત ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન બન્યાં હતાં. ઉત્તરપ્રદેશમાં લોકસભા સાંસદ અને રાજસ્થાન તેમજ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ પણ રહ્યા હતા. તેઓ પ્રથમ વખત ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન હતા ત્યારે વિવાદાસ્પદ બાબરી મસ્જિદ ધ્વંસની ઘટના બની હતી.