વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જસદણ તાલુકાના આટકોટમાં પટેલ સેવા સમાજની મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું અને જાહેર કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ પછી મોદી અને અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા હતા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના કલોલમાં આવેલા IFFCO ખાતે નેનો યુરિયા પ્લાન્ટનું ડિજિટલ લોન્ચિંગ કર્યું હતું અને ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ભાષણ આપતા કહ્યું હતું કે, આજે, આત્મનિર્ભર કૃષિ માટે દેશના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતી વખતે મને વિશેષ આનંદ થઈ રહ્યો છે. હવે એક બોટલમાં યુરિયાની બોરીની શક્તિ સમાયેલી છે. નેનો યુરિયાની લગભગ અડધો લિટર બોટલ ખેડૂતની એક બોરી યુરિયાની જરૂરિયાત પૂરી કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું, દેશભરના લાખો સ્થળો પરના ખેડૂતો આજે મહાત્મા મંદિરમાં જોડાયા છે, હું તમામનો આભાર વ્યક્ત કરું છું, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગામડાંને આત્મનિર્ભર થયું જરૂરી છે. એટલા માટે અમે આજે મોડલ કો-ઓપરેટીવ વિલેજ દિશામાં આગળ વધી રહી છે. ગુજરાતના 6 ગામડાં નક્કી કરાયા છે જ્યાં સંપૂર્ણપણે કો-ઓપરેટીવ વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવશે. ભારત વિદેશોમાંથી યુરિયા મગાવે છે. એક બે યુરિયા રૂ.3500માં પડે છે. ખેડૂતોને એ જ બેગ 300 રૂપિયામાં આપવામાં આવે છે. ખાતરના ઉપયોગમાં ભારત બીજા નંબરે છે. એક સમયે ખાતરની કાળાબજારી થતી હતી. ખાતરની વૈશ્વિક કિંમત વધી છે. છતા મુશ્કેલી હોવા છતા ખાતરનું સંકટ ઉભું થવા દીધું નથી.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ સંબોધન કરતા ગુજરાતના સહકાર મોડેલને સફળ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મોદી સરકારના સમયમાં સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી અને આ પગલું આગામી 100 વર્ષ સુધી સહકારી આંદોલનમાં પ્રાણ ફુંકશે. આ સાથે જ તેમણે બજેટમાં સહકારીતા મંત્રાલય બનાવવા સહિત જે અનેક નિર્ણયો લેવામાં આવ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજ્યના 6 જિલ્લાઓમાં સંપૂર્ણપણે કો-ઓપરેટિવ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.