ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીના પોસ્ટરના વિવાદ અંગે પોતાનું મૌન તોડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે મા કાલીના હંમેશા દેશ પર આશીર્વાદ છે. મા કાલીની ચેતના આખા ભારતની આસ્થામાં છે. મોદીએ આ નિવેદનથી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને સાંકેતિક સલાહ આપી હોવાનું મનાય છે. બીજીબાજુ માતાકાલી અંગે વિવાદાસ્પદ નિવેદન કરનારા તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ ભાજપ પર વધુ એક હુમલો કર્યો હતા.
ફિલ્મ કાલીના પોસ્ટર વિવાદ વચ્ચે તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ મા કાલી અંગે વિવાદાસ્પદ નિવેદન કરતાં તેમની સામે કેસ નોંધાયો છે અને ભાજપે તૃણમૂલ કોંગ્રેસમાંથી મોઈત્રાની હકાલપટ્ટીની માગણી કરી છે. આ વિવાદો વચ્ચે રવિવારે સ્વામી આત્મસ્થાનાનંદજીની જન્મ શતાબ્દીના કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સ મારફત સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી રામકૃષ્ણ પરમહંસને યાદ કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ એવા સંત હતા, જેમણે પોતાની આંખો સામે મા કાલીનો અનુભવ કર્યો હતો. સ્વામી વિવેદાનંદનું કદ એવું હતું પરંતુ તેઓ દેવી કાલીની ભક્તિમાં એક બાળક સમાન બની જતા હતા. સ્વામી આત્મસ્થાનંદની પણ મા કાલીમાં એવી અતૂટ આસ્થા હતી. મા કાલીનો આશીર્વાદ હંમેશા ભારત પર રહ્યો છે.