ભૂતપૂર્વ ન્યાયાધીશો અને અધિકારીઓના એક જૂથે મંગળવાર (5 જુલાઈએ)એ માગણી કરી છે કે સુપ્રીમ કોર્ટે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ કરેલા નિરીક્ષણો પાછા ખેંચી લેવા જોઇએ. હાઇકોર્ટના 15 જજ, 77 નિવૃત સનદી અધિકારીઓ અને 25 વરિષ્ઠ નાગરિકો સહિત 117 હસ્તીઓના હસ્તાક્ષર સાથેના નિવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ‘કમનસીબ’ ટીપ્પણીઓ ન્યાયિક નૈતિકતાને અનુરુપ નથી અને તેનાથી દેશ અને દેશની બહાર ‘શોકવેવ’ ફેલાયા છે.
નિવેદનમાં જણાવાયું છે કે “ન્યાયતંત્રના રેકોર્ડમા, આવી કમનસીબ ટીપ્પણી જોવા મળી નથી અને તે સૌથી મોટી લોકશાહીના ન્યાયતંત્ર પર ભૂંસાય નહીં તેવો ડાઘ છે. લોકશાહી મૂલ્યો અને દેશની સુરક્ષા પર સંભવિત ગંભીર અસરોને કારણે તાકીદે સુધારાના પગલાંની જરૂર છે.”
આ હસ્તીઓમાં બોમ્બે હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ક્ષિતિજ વ્યાસ, કેરળ હાઇકોર્ટના પૂર્વ જજ પી એન રવિન્દ્રન, ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જજ એસ એમ સોની, રાજસ્થાન હાઇકોર્ટના પૂર્વ જજ આર એસ રાઠોડ અને દિલ્હી હાઇકોર્ટના પૂર્વ જજ એસ એન ઢિંગરાનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર્સમાં આનંદ બોઝ, આર એસ ગોપાલન, એસ ક્રિષ્ન કુમાર, એમ્બેસેડર (નિવૃત) નિરંજન દેસાઈ, ભૂતપૂર્વ DGPs એસ પી વૈદ અને બીએલ વોરા, લેફ્ટનન્ટ જનરલ વી કે ચતુર્વેદી (નિવૃત) અને એર માર્શલ (નિવૃત્ત) એસ પી સિંહએ આ નિવેદનમાં હસ્તાક્ષર કર્યા છે.
તેમાં જણાવાયું છે કે કોઇ પણ રીતે ન્યાયતંત્રનો હિસ્સો નથી તેવી આ ટીપ્પણીઓને ન્યાયિક ઔચિત્ય અને વાજબીપણના સિદ્ધાંતને આધારે માન્ય કરી શકાય નહીં. આવું આપત્તિજનક ઉલ્લંઘન ન્યાયતંત્રના રેકોર્ડમાં ક્યારેય નોંધાયું નથી.
સુપ્રીમ કોર્ટે પહેલી જુલાઈએ પયગંબર સાહેર સામે વિવાદાસ્પદ ટીપ્પણી બદલ નુપુર શર્માની આકરી ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે તેમની ટીપ્પણીથી સમગ્ર દેશમાં આગ લાગી છે અને તે દેશમાં જે કંઇ થઈ રહ્યું છે તેના માત્ર એકમાત્ર જવાબદાર વ્યક્તિ છે.
સુપ્રીમ કોર્ટની ટીપ્પણીઓની આકરી ટીકા કરતાં નિવેદનમાં જણાવાયું છે કે અમે, દેશના જવાબદાર નાગરિકો તરીકે, માનીએ છીએ કે કોઇપણ દેશની લોકશાહી તમામ સંસ્થાઓ બંધારણ મુજબ પોતાની ફરજ બજાવે ત્યાં સુધી અકબંધ રહે છે. સુપ્રીમ કોર્ટના બે જજે કરેલી તાજેતરની ટીપ્પણીઓએ લક્ષ્મણ રેખા પાર કરી છે અને તેનાથી અમને આ ખુલ્લુ નિવેદન જારી કરવાની ફરજ પડી છે. આ કમનસીબ અને અસાધારણ ટીપ્પણીઓથી દેશમાં અને દેશની બહાર શોકવેવ ફેલાયા છે.