યુકેની હેલ્થકેર સિસ્ટમના સૌથી પ્રભાવશાળી બ્રિટીશ એશિયન ડૉક્ટર, એવોર્ડ વિજેતા ભૂતપૂર્વ જી.પી. અને એનએચએસના અગ્રણી કેમ્પેઇનર ડો. કૈલાસ ચંદ, OBEનું 73 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પુત્ર અને વિખ્યાત તમીબ ડો. અસીમ મલ્હોત્રાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે 26 જુલાઇને સોમવારે સાંજે તેમના પિતાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.
યુકેમાં 150,000 ડોકટરોનું પ્રતિનિધિત્વ કરતા બ્રિટીશ મેડિકલ એસોસિએશન કાઉન્સિલ (બીએમએ)ના ડેપ્યુટી ચેર તરીકે ચૂંટાયેલા તેઓ પ્રથમ એશિયન હતા. એનએચએસની સેવાઓ માટે તેમને ઓબીઇ એનાયત કરાયો હતો. તેઓ બીએમએના વરિષ્ઠ સાથી હતા અને રોયલ કૉલેજ ઑફ જનરલ પ્રેક્ટિશનર્સ દ્વારા તેમને ‘જી.પી. ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરાયો હતો. ‘નેશનલ પલ્સ પાવર લિસ્ટ’માં બ્રિટનના ટોચના 50 સૌથી પ્રભાવશાળી જી.પી.માંના એક તરીકે તેમનું નામ નિયમિત રીતે લેવાતું હતું.
ડૉ. ચંદનો જન્મ 1949માં થયો હતો અને તેમનું બાળપણ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં વિતાવ્યું હતું. તેઓ પાંચ બાળકોમાં સૌથી મોટા હતા. તેમના પિતા ભારતીય રેલ્વે માટે કામ કરતા હતા. 1970ના દાયકાના અંતમાં તેઓ જુનિયર ડૉક્ટર તરીકે યુકે આવ્યા હતા. તેઓ આટલા આગળ વધ્યા હોવા છતાં તેઓ વારંવાર ભેદભાવ અને જાતિવાદનો ભોગ બન્યા હતા.
2020માં કોરોનાવાયરસ રોગચાળાને પગલે સમાનતા માટેની લડાઈ વધુ નોંધપાત્ર બની હતી અને તેમાં ડો. ચંદ આગલી હરોળમાં હતા. તેઓ વંશીય લઘુમતીઓ પર કોરોનાવાયરસની અપ્રમાણસર અસરને પ્રકાશિત કરવા માટે હેલ્થ કેર ક્ષેત્રના પ્રથમ નેતાઓમાંના એક હતા.
બીએમએના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા ડૉ. ચંદે માળખાકીય જાતિવાદને દોષી ઠેરવતા મુદ્દા વિષે અવાજ ઉઠાવ્યો હતો. સમસ્યાને ઉજાગર કરવા માટે તેઓ બીબીસી બ્રેકફાસ્ટ અને ચેનલ 4 ન્યૂઝ સહિતના ઘણા ન્યૂઝ પ્રોગ્રામ્સમાં દેખાયા હતા. અન્ય અગ્રણીઓ સાથે ડૉ. ચંદે સરકારને BAME સમુદાયો પર રોગચાળાની અપ્રમાણસર અસર અંગે કરેલી વિનંતીને પગલે સરકારની ઇક્વાલીટી ઓફિસે પોતાના ત્રિમાસિક અહેવાલમાં કોવિડ-19 આરોગ્ય સમાનતાઓને ધ્યાનમાં લેવાની સંમતિ આપી હતી.
ઇસ્ટ્રન આઇ અને ગરવી ગુજરાતમાં તેઓ નિયમિત લેખ લખી ફાળો આપતા હતા. એનએચએસ પરનો તેમનો લેખ ગયા અઠવાડિયે પ્રકાશીત થયો હતો. તાજેતરમાં જ, તેઓ બોલ્ટન યુનિવર્સિટી દ્વારા હેલ્થ એન્ડ વેલબિઇંગના માનદ પ્રોફેસર તરીકે નિયુક્ત થયા હતા.
ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાતના પ્રકાશક એશિયન મીડિયા ગ્રુપ દ્વારા પ્રકાશિત GG 2 પાવર લિસ્ટ 2020-2021માં ડો. ચંદને 101 સૌથી પ્રભાવશાળી બ્રિટીશ એશિયન લોકોની યાદીમાં 78મો ક્રમ મળ્યો છે.
બ્રિટીશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન (બાપીઓ) અને ગ્રેટર માન્ચેસ્ટરના લેબર મેયર, એન્ડી બર્નહમ સહિત વિવિઘ અગ્રણીઓએ તેમને અંજલિ આપી હતી.