અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં એજન્ટો કબૂતરબાજી કરીને લોકોને અમેરિકા કે અન્ય દેશોમાં ગેરકાયદે ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રવિવારે કબૂતરબાજી કૌભાંડમાં મહેસાણા નજીક જોરણંગના એજન્ટ પિતા-પુત્ર હાર્દિક પટેલ અને હિતેશ પટેલ, રજત ચાવડા અને રાજુ પ્રજાપતિની ધરપકડ કરી લીધી હતી.
એજન્ટ હિતેશના ઘરે દરોડો પાડતાં તેના ઘરમાંથી મળેલી વસ્તુઓ જોઈને પોલીસ પણ ચકિત થઈ ગઈ હતી.. એજન્ટ હરેશના ઘરેથી 78 પાસપોર્ટ, 44 આધાર કાર્ડ 13 પાનકાર્ડ અને 23 ચૂંટણીકાર્ડ મળ્યા હતા. જુદી-જુદી બેંકની પાસબુક અને ચેક બુક તેમજ અન્ય સામગ્રી મળી આવી હતું. પૂછપરછમાં તેમણે કબૂલાત કરી હતી કે તેઓ એક વ્યક્તિના અમેરિકા પહોંચાડવાના રૂ.૬૦થી ૬૫ લાખ લેતા હતા અને અત્યાર સુધીમાં તેઓ ૩૦થી વધુ પરિવારોને ગેરકાયદે રીતે અમેરિકા પહોંચી ચૂક્યા છે.
એજન્ટો જણાવ્યું હતું કે તેઓ પહેલાં લોકોને યુરોપિયન કન્ટ્રીના ટેમ્પરરી વિઝા પર યુરોપ મોકલતા હતા જ્યાંથી પરત ઇન્ડિયાની ફ્લાઇટ વાયા મેક્સિકોની લેતા. મેક્સિકોમાં ઉતરી જવાનું. ગોઠવણ મુજબ મેક્સિકોથી તેઓ ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા હતા. યુરોપિયન દેશોએ આ બાબતની જાણ થતાં તેમણે કડકાઈ વધારી દીધી છે. તેને પગલે એજન્ટોએ હવે નાઇજિરિયાનો માર્ગ શોધ્યો છે જેમાં ગુજરાતથી અમેરિકા જવા ઇચ્છતા લોકોને પહેલાં નાઇજિરિયા મોકલવામાં આવે છે. ત્યાંથી તેઓ મેક્સિકો પહોંચે છે અને મેક્સિકોથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરી ત્યાં રેફ્યુજી કેમ્પમાં તેમને પહોંચાડવાની વ્યવસ્થા એજન્ટો કરી આપતા હોય છે.