શેખુપુરા, પાકિસ્તાનમાં જન્મેલા અને હાલ લંડન ખાતે રહેતા પીઢ પત્રકાર અને ઇન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશન (IJA)ના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. કે. એન. મલિકનું તા. 20 જૂનના રોજ 93 વર્ષની વયે અવસાન થયું હતું.
પીઢ પત્રકાર ક્રિષ્ન નારાયણ મલિકને ગરવી ગુજરાતના સ્થાપક તંત્રી સ્વ. શ્રી રમણિકલાલ સોલંકી સાથે પણ સારા સંબંધો હતા. તેઓ ઓક્સફર્ડના ક્વીન એલિઝાબેથ હાઉસ (1989-91)માં રીસર્ચ ફેલો અને સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ (SOAS), યુનિવર્સિટી ઓફ લંડન (1991-96)માં વરિષ્ઠ રીસર્ચ ફેલો હતા. તેમણે ચંદીગઢમાં ધ ટ્રિબ્યુન માટે પણ લખ્યું હતું. તેમની આત્મકથા ભારતમાં ગયા વર્ષે પ્રકાશિત થઈ હતી.
તેઓ 1985-86 સુધી ઇન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ રહ્યા હતા. તેમના એક ભાઇ રામ નારાયણ મલ્હોત્રા ભારતીય રિઝર્વ બેંક (1985-1990)ના ગવર્નર હતા.
તેમનું પત્રકાર તરીકેનું પ્રસંગપૂર્ણ જીવન સાહસ, ફરજ પ્રત્યે અનુકરણીય સમર્પણ અને ઉચ્ચ વ્યવસ્થાની સામાજિકતાથી ભરેલું રહ્યું હતું. લોકોને મદદ કરવાની ઇચ્છાને પગલે તેઓ ક્વેકર નામની સેવાભાવી સંસ્થામાં જોડાયા હતા.
ધ સ્કાઉટ્સ અને આરએસએસ સાથેના જોડાણ અને રમતગમત પ્રત્યેના તેમના નિરંતર પ્રેમને કારણે તેમનો વધુ વિકાસ થયો હતો. પત્રકાર તરીકેની તેમની કારકીર્દી દરમિયાન તેઓ વિવિધ દેશોના રાષ્ટ્રપતિઓ અને વડા પ્રધાનોને મળ્યા હતા. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની કારકિર્દી દરમિયાન તેમની લોકપ્રિયતા ખૂબ વધી હતી. કે.એન. તરીકે ઓળખાતા સ્વ. મલિકને સ્નાતક વિદ્યાર્થીઓને પત્રકારત્વ પર પ્રવચનો આપવા માટે તેમને યુનિવર્સિટીઓ (ભારત અને વિદેશ) દ્વારા વારંવાર આમંત્રણ આપવામાં આવતું હતું. આ માટે તેમને માનદ ડોક્ટરેટના બિરુદ અપાયું હતું. તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા લદાયેલી રાષ્ટ્રીય કટોકટી વખતે પણ તેમણે સામાન્ય નિષ્પક્ષ, ખુલ્લી અને સ્પષ્ટ શૈલીમાં અહેવાલ આપવાનું ચાલુ રાખ્યું હતું. જેને કારણે તેમની લંડનમાં ટ્રાન્સફર કરવા કહેવાયું હતું.
નિવૃત્તિ પછી, કેએન ભારત પાછા ફરવાનું વિચારતા હતા પરંતુ બે યુવાન પુત્રોના શિક્ષણમાં વિક્ષેપને ટાળવા પત્ની લીલીની સલાહ માની યુકે રહ્યા હતા. તેઓ પત્ની લીલી દાસ મલિક અને બે પુત્રો પવન અને અંજન સાથે વિશાલ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.