ભારતની સુપ્રીમ કોર્ટના 49મા નવા મુખ્ય ન્યાયમૂર્તિપદે ઉદય ઉમેશ લલિત શનિવારે શપથ લીધા હતા. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ દ્રૌપદી મૂર્મૂએ તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવાવ્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંડળના સભ્યો સહિત દેશના ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પોતાની નવી જવાબદારી અંગે જસ્ટિસ લલિતે જણાવ્યું હતું કે, મારો પ્રયાસ એવો રહેશે કે કેસોની યાદીમાં પારદર્શિતા આવે. હું એવી વ્યવસ્થા બનાવી શકું કે જેમાં જરૂરી કેસ સંબંધિત બેન્ચ સમક્ષ સ્વતંત્રતા પૂર્વક ઉઠાવી શકાય. આ ઉપરાંત હું ઓછામાં ઓછી એક બંધારણીય બેંચ બનાવી શકું, જે આખું વર્ષ કાર્યરત રહે. જસ્ટિસ લલિતનો પરિવાર ચાર પેઢીથી કાયદાના ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. તેમના દાદા વકીલ હતા, તેમના પતિા વકીલ અને હાઇકોર્ટના જજ રહ્યા હતા અને તેમના એક પુત્ર અને તેમની પત્ની પણ આ ક્ષેત્રમાં કાર્યરત છે.