ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુવારે ગાંધીનગર ખાતે રાજભવનમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (નિયુક્ત) સોનિયા ગોકાણીને વિવિધત રીતે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. તેનાથી તેઓ સત્તાવાર રીતે ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યાં છે. ભારતના રાષ્ટ્રપતિના પ્રતિનિધિ દ્વારા ‘નિમણૂકનું વોરંટ‘ વાંચવાની સાથે સમારંભનો પ્રારંભ થયો હતો.
મુખ્ય ન્યાયાધીશ ગોકાણીની નિમણૂકને કેન્દ્ર સરકારે 12 ફેબ્રુઆરીએ મંજૂરી આપી હતી અને 13 ફેબ્રુઆરીથી તેઓ ચીફ જસ્ટિસ–નિયુક્ત તરીકે તેમની ફરજો નિભાવી રહ્યા છે.
જસ્ટિસ સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઇકોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. તેઓ 25 ફેબ્રુઆરી 2023ના રોજ તેઓ નિવૃત થઈ રહ્યા છે. ત્યારે ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા અધિકૃત રીતે ઓર્ડર જારી કરી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની નિમણૂંક કરવામાં આવી છે. જોકે, સોનિયાબેન ગોકાણી 9 દિવસ સુધી ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી શકશે કારણ કે વય મર્યાદાના કારણે 25 ફેબ્રુઆરીએ નિવૃત થઈ રહ્યા છે.