જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ બનશે. વર્તમાન ચીફ જસ્ટિસ યુ યુ લલિતે નવેમ્બરમાં નિવૃત્ત થતા પહેલાં ચંદ્રચુડના નામની ભલામણ કરી છે. જસ્ટિસ લલિત તાજેતરમાં જ 27 ઓગસ્ટે ચીફ જસ્ટિસપદે નિયુક્ત થયા હતા. 74 દિવસના કાર્યકાળ પછી તેઓ 8 નવેમ્બર, 2022ના રોજ નિવૃત્ત થશે. ગયા સપ્તાહે 7
ઓક્ટોબરે કેન્દ્રએ દેશના નવા ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને પત્ર લખીને તેમના અનુગામીનું નામ આપવા માટે કહ્યું હતું. ત્યારબાદ મંગળવારે સવારે જસ્ટિસ લલિતે સુપ્રીમ કોર્ટના તમામ જજની બેઠક બોલાવી હતી અને ત્યારબાદ નવા ચીફ જસ્ટિસ તરીકે ચંદ્રચુડને નિમણૂંકનો પંત્ર આપવામાં આવ્યો હતો. જસ્ટિસ ચંદ્રચુડનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. તેઓ 10 નવેમ્બર, 2024ના રોજ ચીફ જસ્ટિસપદેથી નિવૃત્ત થશે.
પરંપરા મુજબ મુખ્ય ન્યાયાધીશ તેમના પછીના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશના નામની ભલામણ કેન્દ્ર સરકારને મોકલે છે. અત્યારે યુયુ લલિત પછી ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ બીજા સૌથી વરિષ્ઠ જજ છે. આ એક પ્રકારની પરંપરા છે, જે મુજબ કેન્દ્ર તરફથી ઔપચારિક આગ્રહ મળ્યા પછી મુખ્ય ન્યાયાધીશ તેમના નિવૃત્તિના લગભગ એક મહિના પહેલા એક બંધ કવરમાં તેમના ઉત્તરાધિકારીના નામની કેન્દ્રને ભલામણ કરે છે. ત્યાર પછી સરકાર નવા સીજેઆઈની નિમણૂક કરે છે.