હજ્જારો જુનિયર ડોકટરોએ આજે તા. 11ને મંગળવારથી 35 ટકાના પગાર વધારાની માંગણી સાથે ચાર દિવસની હડતાળની શરૂઆત કરતા NHS હોસ્પિટલો પર ભારે દબાણ, જોખમી પરિસ્થિતીના નિર્માણ સાથે અભૂતપૂર્વ વિક્ષેપ સર્જાય તેવી શક્યતાઓ ઉભી થઇ છે. ચેતવણી અપાઇ છે કે સારવારના અભાવે કેટલાક લોકો મૃત્યુ પામશે. ડોક્ટરોએ દેશની વિવિધ હોસ્પિટલોના બહાર વધુ પગારની માંગ સાથે આજે સવારે 7 વાગ્યાથી જ સુત્રોચ્ચારો સાથે ધરણાં શરૂ કરી દીધા હતા. આ હડતાલને કારણે ઓપરેશન્સ, કેન્સર કેર અને હાર્ટ કન્સલ્ટેશન્સ સહિતની અંદાજિત 350,000 NHS એપોઇન્ટમેન્ટ્સ રદ કરવામાં આવશે એમ જણાય છે.
દર્દીઓની સલામતી માટે જોખમની ચેતવણી સાથે સરકારે લોકોને આરોગ્ય સેવાઓનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા અને માત્ર જીવલેણ બીમારી કે ઇમરજન્સીના સંજોગોમાં જ A&Eમાં જવા અથવા 999 પર કૉલ કરવા વિનંતી કરી છે. NHS એ કહ્યું હતું કે આ હડતાળ દરમિયાન ઇમરજન્સી, ગંભીર બીમારી અને ઇજાઓ, નવજાત બાળકો, પ્રસૂતિ અને ટ્રોમા કેરને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે. પરંતુ ચેતવણી આપી છે કે કેન્સર કેર સહિતની ‘સેંકડો હજારો’ એપોઇન્ટમેન્ટ્સ મુલતવી રાખવામાં આવશે અને સ્થાનિક સેવાઓ પર ‘નોંધપાત્ર અસર’ થશે.
ઘણા વરિષ્ઠ તબીબો ઇસ્ટર વખતે વાર્ષિક રજા પર છે ત્યારે આ હડતાળના કારણે એક મિલિયનથી વધુ એપોઇન્ટમેન્ટ્સ અને ઓપરેશન્સ રદ કરવામાં આવી શકે છે. કેટલીક હોસ્પિટલો કહે છે કે આ હડતાળથી આયોજિત સારવારના અડધા ભાગને અસર થઈ શકે છે.
જુનિયર ડોકટરોએ આ અગાઉ ગત તા. 13થી 15 માર્ચ દરમિયાન કરેલા વોકઆઉટને કારણે 175,000 દર્દીઓની આઉટપેશન્ટ એપોઇન્ટમેન્ટ અને ઓપરેશન્સને ફરીથી શેડ્યૂલ કરવા પડ્યા હતા. ઇંગ્લેન્ડની જાહેર આરોગ્ય સેવા NHS તાજેતરના મહિનાઓમાં હડતાલના મોજાથી પ્રભાવિત થઈ છે અને વધતા જતા ફુગાવા, વેતન અને રોગચાળાના બેકલોગ સાથે સંકળાયેલા કર્મચારીઓની અછત સાથે વર્કલોડમાં પણ વધારો થયો છે. હજ્જારો જુનિયર ડોકટરો – લાયકાત ધરાવતા ફીજીશીયન્સ NHSમાં કામ કરતા તબીબી કર્મચારીઓનો લગભગ અડધો હિસ્સો ધરાવે છે.
ડોકટરોનું પ્રતિનિધિત્વ કરતુ યુનિયન બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA) બ્રિટીશ મેડિકલ એસોસિએશન કહે છે કે ‘’આ પગાર વધારાની માંગના કારણે 15 વર્ષના ફુગાવાથી અસરગ્રસ્ત જુનિયર ડોક્ટર્સના વેતનમાં વધારો થશે અને તેમના સભ્યોએ 15 વર્ષમાં પગારમાં 26 ટકા વાસ્તવિક શરતોનો ઘટાડો કર્યો છે. જો હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલે વિશ્વસનીય પગારની ઓફર કરે તો ખૂબ જ અનુભવી સહિતના જુનિયર ડોકટરોની હડતાલ રોકી શકાય તેમ છે.’’
પરંતુ સરકાર 35 ટકા પગાર વધારાની માંગણીને અવાસ્તવિક ગણાવી કહે છે કે અમુક ડોક્ટર્સના પગારમાં તો સીધો £20,000 સુધીના મૂલ્યનો વધારો થશે.
NHS ઈંગ્લેન્ડના નેશનલ મેડિકલ ડિરેક્ટર સ્ટીફન પોવિસે જણાવ્યું હતું કે, “હડતાલના આ આગલા રાઉન્ડમાં અપ્રતિમ સ્તરના વિક્ષેપ જોવા મળશે અને અમે સમગ્ર દેશમાં દર્દીઓ અને સેવાઓ પર અસરની સંભવિત ગંભીરતા વિશે ખૂબ જ ચિંતિત છીએ. અગાઉના વોકઆઉટ દરમિયાન 175,000 એપોઇન્ટમેન્ટ્સ અને ઓપરેશન્સને અસર થઇ હતી અને આ વખતે તેના કરતા વધુ ઘેરી અસર થશે. પરંતુ એનએચએસ ઇમરજન્સી સેવાઓને અકબંધ રહે તે માટે કામ કરી રહ્યું છે. અમે હોસ્પિટલોને શક્ય તેટલી ઝડપથી પ્રોસીજર અને બહારના દર્દીઓની એપોઇન્ટમેન્ટ્સને ફરીથી શેડ્યૂલ કરવા કહ્યું છે પરંતુ આમાંથી બહાર આવતા અઠવાડિયાઓ લાગશે.”
NHS વડાઓને ડર છે કે BMA યુનિયન આગામી મે મહિનામાં મહત્તમ વિક્ષેપ સર્જાય તે આશયે ત્રણ બેંક હોલીડે વખતે વધુ હડતાલનું સંકલન કરીને અરાજકતા ફેલાવવાનું કાવતરું ઘડી રહી છે, જેમાં મહારાજા કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકની રજાનો પણ સમાવેશ થાય છે. યુનિયન પહેલાથી જ ચેતવણી આપી ચૂક્યું છે કે આવા વોકઆઉટ ઓટમ 2024માં થનાર ‘આગામી સામાન્ય ચૂંટણી સુધી તમામ રીતે’ ચાલુ રહી શકે છે.
ગુડ મોર્નિંગ બ્રિટન પર ડૉ. હિલેરી જોન્સે કહ્યું હતું કે ‘’હું માનું છું કે હડતાલના ‘સીધા પરિણામ’ તરીકે સારવારમાં વિલંબ થવાથી લોકો મૃત્યુ પામી શકે છે. જો ત્યાં એક ડૉક્ટર 10 દર્દીઓની સંભાળ રાખવાનો પ્રયાસ કરતા હોય અને તેઓ બધા ગંભીર રીતે બીમાર હોય તો તમે એક જ સમયે તે બધાની પાસે જઈ શકતા નથી. હૃદયરોગના હુમલાના દર્દીને આજે હોસ્પિટલમાં તે કાળજી નહીં મળે જે તેમને એક અઠવાડિયા પહેલા મળતી હતી. આ વિક્ષેપજનક છે, આ ખતરનાક છે, આનાથી વધુ ખતરનાક ક્યારેય નહોતું.”